પાલિકામા પ્રવેશવા લડવૈયાઓની ક્વાયત, છાતી ઠોકીને દાવો અસંભવ.. સોસિયલ મિડિયામા બઘડાટી પણ શાણા મતદારો મુંગો તમાશો નિહાળી રહ્યા હોવાનુ ચિત્ર

આગામી ૨૬ મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચુંટણી મા ચુંટાવા માટે ચુંટણી મેદાનમા ઉતરેલા ઉમેદવારો પોતાની જીત માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. જેમા,શહેરની પ્રથમ વખત યોજાયેલી નગરપાલિકામા પ્રવેશ કરવા ઉમેદવારો પોતપોતાના વોર્ડ મા મેદની ભેગી કરવા ચુંટણીપંચની ગાઈડ લાઈન, નિયંત્રણો વચ્ચે પોતાના ટેકેદારો સાથે એરીયાવાઈઝ ગૃપ બેઠકો કરવા ઉપરાંત, મતદાતાઓને રીઝવવા આ વખતે સોસીયલ મિડીયામા ધુમ મચાવી પોત પોતાની સ્ટાઈલમા પ્રચારમા ઉંધે માથે થઈ રહયા છે.પરંતુ શાણા મતદાતાઓ પણ હોંશિયારી પૂર્વક લડવૈયાઓને રૂડુ લગાવી રહ્યા છે. પરંતુ હકિકતમા કોઈ ને મન કળવા દેતા નથી. એ પણ એટલી જ સત્ય હકીકત છે.
રાજ્યભરમા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી આગામી તા. ૨૬ મી એપ્રિલે યોજાનાર છે. જેમા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત ઉપરાંત, મહાનગરપાલિકા અને નગરપાલિકા ચુંટણી હોય એ અંતર્ગત ટંકારા તાલુકામા તાલુકા પંચાયતની ૧૬ બેઠક, જીલ્લા પંચાયતની ૩ બેઠક ઉપરાંત, ટંકારા શહેરમા ગ્રામ પંચાયતને પાલિકાનો દરજજો મળતા નગરપાલિકાની પ્રથમ ચુંટણી હોય જેમા ૬ વોર્ડ મા ૨૪ સભ્યો માટે ચુંટણી યોજાશે. વર્તમાન ચિત્ર પ્રમાણે શહેરમા યોજાનારી નગરપાલિકાની ચુંટણીમા ભાજપ, કોંગ્રેસ, બસપા અને અપક્ષ ઉમેદવારો ચુંટણી લડવા મેદાને છે. ગ્રામ્યમા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચુંટણી જંગમા ઉતર્યા છે. હાલ રાજકારણમા દરેક સ્થળ જેવી પ્રવાહી સ્થિતિ છે. તાલુકામા સંપીને કે માન મરતબો જાળવી સિલેકશન થવુ બધા માટે ખૂબ અઘરૂ છે. એટલે સિલેકશન નહીં ઈલેકશન થવાનુ નિશ્ર્ચિત થઈ ચુક્યુ છે. જ્ઞાતિવાદના જોરે ચુંટણી લડાઈ રહી છે. જે જગજાહેર છે. ટંકારા શહેરમા મહતમ પાટીદાર અને મુસ્લિમ સમાજના વોટ વધુ છે. ત્યારબાદ અનુ.જાતી, દેવીપુજક, કોળી, માલધારી સમાજના મતદારો વધુ હોવાથી એ તમામ હુકમના એક્કા ગણાય છે. સવર્ણોમા બ્રહ્મસમાજ, લોહાણાસમાજ ની જનસંખ્યા પણ નોંધપાત્ર છે. સોની, જૈન વણિક, દરજી સહિતના અનેક મતદારો પણ હોવા છતા યુનિટીના અભાવે અહિંયા બળુકી વોટબેંકનો દબદબો કાયમ હાવી થઈ જાય છે . જોકે, આ વખતે કોણ બાજી મારશે એ કહેવુ ભારે મુશ્કેલ છે. બંને તરફનો માહોલ જોતા મતદારો મગજ વાપરી કોઈને મન કળવા દેતા નથી. અને ઉમેદવારોને ગમે એવુ શાણપણ વાપરી તમારી સાથે જ હોવાનુ રૂડુ લગાડે છે. અમુક તો બંને પક્ષે ચક્કર લગાવતા પણ જોવા મળે છે. આ સ્થિતિ વચ્ચે મુખ્ય બે પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળે છે. ઉમેદવારો પોતપોતાની રીતે સોસીયલ મિડીયામા હાઈટેક પ્રચાર કરી મતદાતાઓને આકર્ષવા અવનવા પ્રયોગો અને પ્રયાસો કરી રહ્યા હોવાનુ મોબાઈલના સોસીયલ પ્લેટફોર્મ પર જોવા મળે છે.


