મોરબીના લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે માંગ કરવામાં આવી હતી. સમયાંતરે આ માંગ પ્રબળ બની હતી. જે માંગ પર સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે અને આજે બજેટ સત્ર દરમિયાન ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી હતી કે “મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે.”
સીરામીક ઉદ્યોગથી દિવસ રાત વિકસી રહેલા મોરબીને જોઈએ તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન મળતા નાગરિકોને પાણી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળવાની સાથે સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બનતા છેલ્લા દોઢેક વર્ષથી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માંગ ઉઠી હતી જેને મોરબીના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓએ પણ સ્વીકારી સરકારમાં હકારાત્મક રજુઆત કરી હતી. દરમિયાન આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા રાજ્યના વર્ષ 2024-25ના બેજેટમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી જાહેરાત કરતા મોરબીને મહત્વની ભેટ મળી છે.
ગુજરાત સરકાર દ્વારા મોરબી ઉપરાંત નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણા સહિત અન્ય સાત શહેરોને પણ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરી છે, આમ ગુજરાત સરકારે મોરબી માટે આજે રાજ્યના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરતા મોરબીવાસીઓમાં ખુશીની લહેર દોડી ઉઠી છે અને હવે શહેરના સમતોલ વિકાસની સાથે ટ્રાફિક સહિતની સમસ્યાનો અંત આવશે તેવી આશા બંધાઈ છે.



