નેકનામ ગામે વ્યાજખોર પિતા પુત્ર સામે ચા ની કીટલી ચલાવતા આધેડે ફરીયાદ નોંધાવતા ચકચાર.

Advertisement
Advertisement
નેકનામ ગામે વ્યાજખોર પિતા પુત્ર સામે ચા ની કીટલી ચલાવતા આધેડે ફરીયાદ નોંધાવતા ચકચાર.
ટંકારા તાલુકાના નેકનામ ગામે ચા ની કીટલી ચલાવતા આધેડે પુત્ર અને પુત્રીના લગ્ન અને મકાન રીનોવેશન કરવા માટે નાણાની જરૂરીયાત હોવાથી ગામના સ્થાનિક શખ્સ પાસેથી ૨૯,૭૦,૦૦૦/- કટકે કટકે ૨૦ ટકા વ્યાજે લીધા હતા. અને બદલામાં રૂપિયા બે કરોડ પાંચ લાખ ચુકવી દીધા હોવા છતા વધુ ૫૦ લાખની ઉઘરાણી કરી દમદાટી દેતા હોવાથી કંટાળીને ભોગ બનેલા આધેડે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ટંકારા પોલીસમા વ્યાજખોર પિતા પુત્ર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
​ટંકારા તાલુકાના આઉટ પોસ્ટ નેકનામ ગામે રહેતા અને ચાની હોટલ ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા લિંબાભાઈ માંડાભાઈ લામકા નામના આધેડે ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ મુજબ પોતાના દીકરા-દીકરીના લગ્નપ્રસંગ અને મકાનના સમારકામ માટે નાણાની જરૂરીયાત હોવાથી ગામના જ સ્થાનિક રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવુભા ઝાલા પાસેથી કટકે-કટકે ૨૦ ટકાના ઊંચા વ્યાજે રૂ. ૨૯,૭૦,૦૦૦ લીધા હતા. બદલામા પોતે મુદ્દલ અને વ્યાજ પેટે અત્યાર સુધીમાં રૂપિયા બે કરોડ પાંચ લાખ જેવી માતબર રકમ ચુકવી આપી હતી.તેમ છતા રાજેન્દ્રસિંહ અને તેના પુત્ર વિક્રમસિંહ ઝાલાએ વધુ રૂપિયા ૫૦ લાખની પઠાણી ઉઘરાણી શરૂ કરી બેફામ ગાળો ભાંડી દમદાટી આપી જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપતા સતત માનસિક ત્રાસથી કંટાળીને આખરે લિંબાભાઈએ ફિનાઈલ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનેલા આધેડે ટંકારા પોલીસમા વ્યાજખોર પિતા પુત્ર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર પિતા પુત્ર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.