ટંકારા પંથકમા હજુ અર્વાચિન ગરબા પ્રવેશ્યા નથી, જે સરાહનીય બાબત છે, પ્રાચીન રાસોત્સવથી જ ગરબે રમાડવાની પરંપરા જાળવી રાખનારા તમામ ગરબી મંડળ ને મોરબી લાઈવ સેલ્યુટ કરે છે .
ટંકારા પંથકમા હજુ અર્વાચિન ગરબાએ પ્રવેશ કર્યો નથી. અહીંયા હજુ દરેક સ્થળે મા ભગવતી ની આરાધના કરી માતાજી સન્મુખ પ્રાચીન ઢબે જ ગરબે રમવા ની પ્રણાલીકા અકબંધ છે. ટંકારા શહેરના મુખ્ય રાજબાઈ ચોક મા રજવાડા વખતે શહેરની અતિ પ્રાચીન ગરબીની શરૂઆત સ્વ. લીલીબેન ભાટીયાએ શરૂઆત કરી હતી. જે આજે પણ ભાટીયા પરીવાર ની અનેરી સેવાથી ધબકે છે. પ્રાચીન રાજબાઈ ગરબી મંડળમા ગરબે રમતી બાળાઓને નવરાત્રી અગાઉ સતત એક મહિનો પ્રાચીન સંસ્કૃતિ જાળવીને ધાર્મિક ગરબાની લય ઉપર ભાટીયા પરીવાર પોતાના આંગણે તાલીમ આપે છે.
રાજાશાહી વખતની જુની ગરબી ગણાતી રાજબાઈ મંડળ ની બાળાઓને ઉંમર પ્રમાણે ત્રણ કેટેગરીમાં ગરબે રમાડવા માં આવે છે. અહીંયા મોગલ રાસ, ભૂવા રાસ અનેરૂ આકર્ષણ જમાવે છે. ગરબે ઘુમતી બાળાઓમાથી પસંદ કરીને દરરોજ બાળાઓને માતાજીના શણગાર માં તૈયાર કરી માતાજી રૂપે રાજબાઈ મંદિરના પ્રાંગણમા માતાજી રૂપે રજુ કરાય છે. કાર્યકરો અસુરોની વેશભૂષા મા રાક્ષસ બને છે. જેનો માતાજી સ્વરૂપે બાળા અસુર વધ કરે છે. જેના થકી મા ભગવતી ના શક્તિ સ્વરૂપના નાટ્ય રૂપે પૌરાણિક ધાર્મિક શાસ્ત્રો ના ઈતિહાસ ને ઉજાગર કરી જીવંત રાખવા સંચાલકો દ્વારા પ્રયાસ કરાતો હોવાનુ ગરબી મંડળ મુખ્ય સંચાલક લલિતભાઈ આશરે જણાવ્યુ હતુ. જે ગરબા વચ્ચે ધાર્મિક લોકો મા ભારે આકર્ષણ જમાવે છે. ઉપરાંત, બાળાઓ માથા ઉપર સળગતો ગરબો લઈને ગરબે ઘુમી ભડકા રાસનુ આયોજન પણ થાય છે. મળેલી જાણકારી મુજબ રાજાશાહી વખતના રજવાડી કોઠામા બિરાજતા રાજબાઈ માતાના સેવકોએ એક સૈકા પૂર્વે રાજબાઈ ગરબી મંડળની સ્થાપના કરીને નવરાત્રીના નવ દિવસ માતાજીના ગરબા ગાઈને માં ની આરાધના કરવામા આવતી હતી સમય જતા શહેરના લોહાણા સમાજના તુકાભાઈ ભગદેવ સંચાલન કરતા હતા, આજે સદી બાદ પણ વડવાઓ એ ચાતરેલા ચીલા ઉપર ભાટીયા પરીવાર ગરબી નુ તન,મન, ધનથી સંચાલન કરે છે. અહિયા હિંદુ શાસ્ત્રોના ધાર્મિક ઈતિહાસને એક સદીથી જીવંત રાખવા કાયમ પ્રયાસ થાય છે. જે સરાહનીય છે.