વાંકાનેર: વઘાસિયા નજીક નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓની ધરપકડ

Advertisement
Advertisement

 

બામણબોર-કચ્છ નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી નકલી ટોલનાકું ચલાવવા પ્રકરણમાં અંતે લાંબા સમયગાળા બાદ બે આરોપીઓ વાંકાનેર પોલીસ ગિરફ્તમાં આવતા વાંકાનેર સીટી પોલીસે આ ચકચારી પ્રકરણમાં વઘાસિયા ગામના રહેવાસી રવિરાજસિંહ અને હરવિજયસિંહની વિધિવત ધરપકડ દર્શાવી છે. વઘાસિયા ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસુલવા પ્રકરણમાં ફેકટરી માલિક અને સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે હવે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ગઈકાલે વિધિવત ધરપકડ કરી હતી.

નકલી ટોલનાકા પ્રકરણમાં ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાએ અગાઉ આગોતરા જામીન અરજી કરી હતી અને બાદમાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાએ મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ નામદાર કોર્ટે ચારેય આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ ગઈકાલે બન્ને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી હોવાનું વાંકાનેર સીટી પોલીસે જાહેર કર્યું છે. જોકે હજુ પણ સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા સહિતના આરોપીઓ હજુ પણ પોલીસ ગિરફ્તથી દૂર છે.