મોરબી જિલ્લાના માળીયા તાલુકાના હરિપર પાસેથી પસાર થતા ત્રિપલ સવારી બાઈકને ડમ્પર ચાલકે અડફેટે લેતા ભાવી પત્ની અને સાળીનું મોત થયું હતું. જે બાદ અકસ્માત સર્જી નાસી ગયેલા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. માળિયાના કાજરડાના રહેવાસી અકબર ગફુર માણેક નામના યુવાને ડમ્પર નંબર જીજે-૧૨-બીઝેડ- ૯૧૬૪ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તારીખ ૧૨ના રોજ ગામમાં આવેલ સલમાન પીર દરગાહે મેળો હતો. જેથી સવારે યુવાન બાઈક નંબર જીજે-૦૩-એફજે-૨૩૬૯ લઈને મંગેતર મુસ્કાનને તેડવા કાજરડાથી સુરજબારી ખાતે ગયો હતો અને તેના ઘરેથી મંગેતર મુસ્કાન સિકંદર મુલ્લા અને સાળી જશીબેન સિકંદર મુલ્લાને લઈને કાજરડા ગામે મેળામાં ફર્યા હતા બાદમાં સાંજે પાંચેક વાગ્યે બાઈક લઈને સુરજબારી મુકવા જતો હોય ત્યારે હાઈવે પર હરીપર ગામ નજીક મોરબી તરફથી એક ડમ્પર પુરઝડપે આવી બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાન રોડની ખાલી સાઈડમાં પડી ગયો હતો જ્યારે પાછળ બેઠેલ મંગેતર મુસ્કાન અને જશીબેન બંને રોડ પર પડી હતી અને ડમ્પરનું પાછળનું ટાયર મુસ્કાનના માથા પર ફરી વળ્યું હતું તેમજ જશીબેનને પણ ડમ્પર ભટકતા માથાના ભાગે ઈજા થતા થઇ હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો. અકસ્માતમાં ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં મુસ્કાન અને જશીબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું. તેમજ યુવાનને હાથ અને પીઠના ભાગે ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.