મોરબીના આમરણ ગામથી જોડિયા તરફના રોડ પર ગતકાલે સાંજના સાડા છ વાગ્યાની આસપાસ આરોપી ટ્રેક્ટર ચાલકે બાળકીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઈને બાળકીના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના આમરણ ગામે રહેતા નેપાલભાઈ સુનીલભાઈ વસુમીયાએ આરોપી ટ્રેક્ટર નંબર જીજે-36-એલ-3085ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તારીખ 8 ડિસેમ્બરના સાંજના સાડા છ વાગ્યાની આસપાસ ટ્રેકટર ચાલકે બેદરકારીથી ચલાવી ફરીયાદીની દિકરી શિવાનીબેનને અડફેટે લઇ માથાના ભાગે ગંભીર ઇજા પોહંચાડી હતી. જેથી બાળકીનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ આરોપી ત્યાંથી નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર બાળકીના પિતા નેપાલભાઈએ આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.