૧૯ દિવસથી ચાલતી મોરબી જીલ્લા જમીન દફતર કર્મચારીઓની હડતાળ અણ ઉકેલ,
બંને પક્ષે અકડ વલણથી અરજદારોના પગે કારણ વગરના સોજા.
ચાર મહિનાથી પગારથી વંચિત કર્મીઓને દાદ દેતા નહોતા,હડતાળથી કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા જવાબદારોને રેલો બીલ તિજોરીના દરબારમા.
———————————————————————
લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના કર્મચારીઓની ગ્રેડ પે વધારવા મુદ્દે ચાલી રહેલી લડત સમાધાન ન થતા ૧૯ દિવસ બાદ પણ હજુ સમી નથી. ગત તા.૧૧ થી પેન ડાઉન બાદ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી લડતના મંડાણ કરી ચુક્યા છે. સરકારે રાજ્ય મંડળ સાથે બે વખત યોજેલી બેઠક નિષ્ફળ નિવડતા ગુંચ નો ઉકેલ આવ્યો નથી અને હડતાળના ઉકેલનો અણસાર વરતાતો નથી. જોકે, ચાર મહિનાનો બાકી પગાર ચુકવવા હડતાળનો રેલો આવતા સરકારે આળસ ખંખેરી ગ્રાન્ટ ફાળવણી કરી દીધી હતી. અને પગાર બીલો તિજોરીમા રજુ કરી દેવાયા હોવાનું જાણવા મળેલ હતુ. આવનારા બે’ક દિવસમા કર્મચારીઓને ચડત પગારનુ ચુકવણુ થાય એવા એંધાણ સ્પષ્ટ થયા હતા.
મોરબી જીલ્લા સહિત રાજ્યના જમીન દફતર વિભાગ ના વર્ગ ૩ ના કર્મચારીઓ ટેક્નિકલ પોસ્ટ પર ફરજ બજાવતા હોવા છતા અન્ય ડિપાર્ટમેન્ટના ટેકનિકલ સ્ટાફની સરખામણીમા ઓછા ગ્રેડ પે ની રાવ સાથે
વિસંગતતાઓ દુર કરી પગાર ધોરણ સુધારી ગ્રેડ પે વધારવા સરકાર સમક્ષ લાંબા સમયથી માંગણી કરી રહ્યા હતા. જેનો નક્કર ઉકેલ ન આવતા નારાજ થઈ રાજ્ય મંડળ ના આદેશથી ગત તા.૧૧ થી તા.૧૮ સુધી ફરજ પર હાજર રહી પેન ડાઉન હડતાળ પાડી કામગીરીથી અળગા રહી વિરોધ વ્યક્ત કર્યો હતો. છતા સરકારે દાદ ન દેતા રાજ્યભરના કર્મચારીઓએ તા.૧૯ મીએ સામુહિક સીએલ રજા મુકી સરકાર ને ઢંઢોળવા પ્રયાસ કર્યા બાદ ગત તા.૨૧ થી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી ઉગ્ર આંદોલન છેડી દીધું છે. તાલુકાની કચેરીઓને દસ દિવસથી અલીગઢી તાળા લાગી ગયા છે. સામુહિક હડતાળથી જમીન માપણી, અગત્યના રેકર્ડ મેળવવા સહિતની કામગીરીને ભારે અસર થઈ છે.જીલાની કચેરીઓ સુમસામ ભાસી રહી છે. રેવન્યુ વિભાગના અતિ મહત્વના અંગ લેન્ડ રેકર્ડ વિભાગને સુનિશ્ચિત આયોજન વગર અણઘણ નિર્ણય કરી વિકેન્દ્રીકરણ કરી દેવાયા બાદ વિકેન્દ્રીકરણથી ચાર મહિનાથી કર્મચારીઓ પગાર વગર આકુળવ્યાકુળ થઈ ગયા હતા. હડતાળ પર ઉતરી જતા સરકારના જવાબદાર તંત્રને રીતસર રેલો આવતા સુસ્તી ઉડાડી તાબડતોબ તમામ ક્ષતિઓ સુધારી ગ્રાન્ટ ફાળવણી કરી તાકિદે પગાર બીલો તિજોરીમા રજુ કરવા સુચનાઓ આપી હતી. બે’ક દિવસમાં ચડત પગારનુ ચુકવણુ થાય એવા પ્રયાસો હાથ ધરાયા હોવાનુ જાણવા મળેલ છે.
જોકે, ગ્રેડ પે સુધારી પગાર વધારો કરવા માટે સરકારે રાજ્ય મંડળ સાથે બે વખત બેઠક યોજી હતી. જે નિષ્ફળ નિવડતા ૧૯ દિવસે પણ કોકડુ હજુ ઉકેલાયુ નથી.



