બસમાં અભ્યાસ પૂર્ણ કરી ઘરે પરત ફરતા ૪૭ ભૂલકાંઓને પોલીસે ફરીસ્તા બની બચાવી લીધા.
ટંકારા તાલુકાના મિતાણા નજીક હાઈવે પર સડસડાટ દોડતી સ્કુલ બસમા ઓચિંતા આગ લાગી હતી. જોતજોતામાં એકાએક બસ ભડભડ સળગવા લાગતા બસમા બેઠેલા નાનકડા ભૂલકાઓની ચિચીયારી થી નજીકમા ઉભેલા પોલીસ સ્ટાફે બનાવની ગંભીરતા પામીને ત્વરીત ગતિએ બસમા સવાર ભૂલકાઓ ને હેમખેમ બહાર કાઢી લેતા સદનસીબે જાનહાની ટળી હતી.જોકે, બસ આખી સળગીને ભડથું થઈ ગઈ હતી. સૌથી મોટો સવાલ એ છે કે, બેફામ દોડતી સ્કુલ બસોને નિયમિત ચેક કરવામા આવે છે એ તપાસવુ જરૂરી છે.
ટંકારા તાલુકા મથકે પંથકના ગામડાના અનેક વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અભ્યાસ અર્થે આવતા હોય છે જેમા, ટંકારા હાઈવે પર આવેલ આર્યમ્ વિદ્યાલય માં અભ્યાસ કરતા મીતાણા છત્તર વીરવાવ ગણેશપર નેકનામ સહિત ના ગામડાના વિદ્યાર્થીઓ બપોરે શાળા પૂરી થતાં શાળાની બસમાં પોતપોતાના ઘરે પરત મુકવા માટે બસ હાઇવે પર સડસડાટ દોડી રહી હતી. એ વખતે મીતાણા ઓવરબ્રિજ થી નીચે સર્વિસ રોડ પર બસ બસમાં ઓચિંતા આગ લાગવાથી નાના ભૂલકાઓ ડરી જઈ ચીચીયારીઓ કરવા લાગ્યા હતા. નસીબજોગે ચોકડી પર પોલીસની ટીમ પેટ્રોલિંગમા હોવાથી બનાવની ગંભીરતા પામીને ત્વરીત ગતિએ દોટ મુકી બધા બાળકો ને બસમાથી હેમખેમ ફટાફટ બહાર કાઢી દુર ખસેડી લેતા સદનસીબે જાનહાની ટળી હતી. જાણવા મળ્યા પ્રમાણે બસમાં નેકનામ, ગણેશપર, ધ્રોલીયા, વિરવાવ સહિતના ગામડાના ૪૭ જેટલા પ્રાથમિક કક્ષાના ભૂલકાઓ સવાર હતા. જોકે, આગની લપેટમાં બસ સળગી ભડથું થઈ ગઈ હતી. જનમાનસ માં સામાન્ય રીતે પોલીસની છાપ હિન્દી ફિલ્મ ની જેમ બધુ પુરૂ થયા બાદ પહોંચવાની હોય છે. જોકે, અહીંયા પોલીસ આગોતરા જ તૈનાત હોવાથી ખરા સમયે કર્મ સાથે ઉમદા માનવધર્મ બજાવી પોલીસની યશકલગી માં પીછુ ઉમેર્યુ હતુ.



