મોરબી જીલ્લામા જમીન દફતર ખાતાની સેવાઓનુ તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ.

રાજય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા તથા ગામડાના ખેડુત ખાતેદારોને જીલ્લા મથકના ધક્કા થી તથા સમય, શક્તિ થી બચાવવા નિર્ણય કર્યો હતો. એ મુજબ મોરબી જીલ્લાના નાગરિકો માટે વહીવટી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને લોકાભિમુખ બનાવવા ના આશયથી જમીન દફતર ખાતાની સેવાઓનુ તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યુ છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના ઠરાવ તેમજ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના આદેશ થી અગાઉ જીલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા નિરીક્ષક જમીન દફતર (DILR) કચેરી વર્ગ-૨ ની કામગીરીને હવે સ્થાનિક સ્તરે લઈ જવામાં આવી છે.
તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક પ્રશ્નોનુ ઝડપી અને આયોજનબદ્ધ નિરાકરણ લાવવા માટે મોરબી જિલ્લામાં નવી ૬ તાલુકા કક્ષાની જમીન દફતર નિરીક્ષક (ILR) વર્ગ-૨ ની કચેરીઓ દરેક તાલુકા મથકે શરૂ કરી દેવામાં આવી છે. આ નવતર વ્યવસ્થાથી જીલ્લાના અરજદારોને પોતાના સરકારી કામો માટે જીલ્લા મથકે ધક્કા ખાવા નહીં પડે અને તેમના તાલુકા મા જ ત્વરિત સરકારી સેવાઓ ઉપલબ્ધ બનશે.નવી કાર્યરત થયેલી આ તમામ ૬ કચેરીઓ અંતર્ગત (૧).જમીન દફતર નિરીક્ષક, મોરબી (શહેર) ની કચેરી સીટી સર્વે કચેરી, તાલુકા સેવા સદન, લાલબાગ, રૂમ નં. ૧૪૨ થી ૧૪૫, મોરબી-૨ ખાતે કાર્યરત કરાઈ છે. (૨).જમીન દફતર નિરીક્ષક, મોરબી (ગ્રામ્ય) ની કચેરી આઈ.એલ.આર. કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નં. ૨૦૨ થી ૨૦૯, કલેક્ટર કચેરી, સો-ઓરડી વિસ્તાર, ખાતે સેવા મળશે. (૩)ટંકારા તાલુકા ના નાગરિકો માટે જમીન દફતર નિરીક્ષકની કચેરી નગરપાલિકા હસ્તક ના મંત્રી ક્વાર્ટર વાળુ મકાન, શાક માર્કેટ પાસે, રાજબાઈ ચોક, ખાતે શરૂ કરવામાં આવી છે.(૪). વાંકાનેર તાલુકા માટેની કચેરી ‘સીટી સર્વે કચેરી-વાંકાનેર તથા સબ ટ્રેઝરી વાંકાનેર, દાણાપીઠ ચોક, જૂની જેલ ના સરનામે કાર્યરત થઈ છે. (૫). હળવદ જમીન દફતર નિરીક્ષકની કચેરી જૂની સરકારી હોસ્પિટલ, આંબેડકર સર્કલ પાસે કાર્યરત કરવામાં આવી છે. જ્યારે (૬) માળિયા તાલુકાની કચેરી પશુ દવાખાનું, માળીયા ના પરિસરમા ચાલુ કરી દેવામાં આવી છે. મોરબી જીલ્લા સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ મયુર કરમટાએ મોરબી જીલ્લા ના જમીન ધારકો, ખેડુતોને જમીન દફતરને લગતી કામગીરી માટે પોતાના સંબંધિત તાલુકાની કચેરીઓનો જ સંપર્ક સાધવા એક યાદી માં જણાવ્યું હતું.


