
ભારતની વસ્તી ગણતરી–2027 ને ધ્યાનમા રાખીને દેશવ્યાપી પ્રિટેસ્ટિંગની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત ટંકારા તાલુકાનો સમાવેશ કરી તાલુકાના કુલ 25 ગામો પસંદ કરવામા આવ્યા હોય પસંદ કરાયેલા ગામો મા કામગીરી આરંભવા માટે મામલતદારે તાકિદે કામગીરી આરંભવા તૈયારી કરી લઈ કામગીરી હાથ ધરવા માટે શિક્ષકોની નિમણુંક કરી દીધી હતી. અને કેવી રીતે પ્રિટેસ્ટીગ કામગીરી કરવી તેની સંપૂર્ણ માહિતી માટે નિમેલા સ્ટાફ ને તાલીમ પણ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ દરમિયાન અટકી પડેલી વસ્તી ગણતરી 15 વર્ષના લાંબા ગાળા બાદ શરૂ થવાની છે.
આગામી દિવસોમા સમગ્ર દેશમા ૨૦૨૭ ને ધ્યાન મા રાખી કેન્દ્ર સરકાર દ્વારા વસતી ગણતરી કામગીરી હાથ ધરવા માટે નક્કી કર્યુ છે. એ અંતર્ગત મોરબી જીલ્લામા ટંકારા તાલુકાના ૨૫ ગામો પસંદ કરવામા આવ્યા છે. પસંદ કરાયેલા ગામો મા કામગીરી હાથ ધરતા પૂર્વે આ કામગીરીમા શિક્ષકોને ખાસ તાલીમબધ્ધ કરવા માટે સરકારે તાલીમ ટીમો દોડાવી છે. તાલીમ ટીમ ટંકારા પહોંચે એ પૂર્વે જ સચોટ કામગીરી મા માનતા મામલતદાર પી.એન. ગોર દ્વારા વસતી ગણતરી પૂર્વે પ્રિટેસ્ટીગ કામગીરી હાથ ધરવા માટે દરેક ગામે શિક્ષકો નિમી દીધા હતા. તાલીમ ટીમ અહીંયા આવતા શહેરના હાઈવે કાંઠે આવેલી મગનલાલ દોશી હાઈસ્કુલ ના કોન્ફરન્સ હોલ મા વસતી ગણતરી હાથ ધરતા પૂર્વે પાયા ની શુ કામગીરી કરવાની એની તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામા આવી છે. જેમા, સર્વે પધ્ધતિ, ડિજિટલ ડેટા કલેકશન, મોબાઈલ એપ આધારિત એન્ટ્રી, અને કુટુંબની લેવાની જરૂરી માહિતી અંગે પ્રાથમિક જાણકારી આપવામા આવી હતી. તાલીમનો મુખ્ય ઉદ્દેશ ગામોમા વસ્તી પ્રોફાઈલ, પરિવારની સંખ્યા, વર્ગીકરણ, શિક્ષણ, રોજગાર, આવાસ સુવિધા, ખાણી પાણી અને સ્વચ્છતા જેવી માહિતીઓને આવરી લઈ ડિજિટલ પધ્ધતિથી ચોક્કસ રીતે એકત્ર કરવાની પધ્ધતિ સમજાવવા મા આવી હતી. તાલીમ દરમિયાન સર્વે સમયે લોકો સાથે સદભાવપૂર્ણ વ્યવહાર કરવા અને ડેટાની ગુપ્તતા જાળવવા સાથે સચોટ કામગીરી કરવા મામલતદારે ખાસ ટકોર કરી આ મુદ્દે વિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ. તાલુકાના પસંદ કરાયેલા તમામ 25 ગામો માટે પસંદ કરાયેલા શિક્ષકો આગામી દિવસોમા પ્રાયોગિક સર્વે હાથ ધરશે. આ પ્રિટેસ્ટના આધારે આગામી મુખ્ય વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ અસરકારક બનશે. તાલીમ વખતે તાલુકાના તમામ અધિકારીઓ, શાળા પ્રમુખો અને વસતી ગણતરીમા રોકાયેલ સબંધિત સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો.


