ટંકારા:સાવડી ના ખેડુતો વારંવાર સર્જાતા વિજ ધાંધીયા થી વિફર્યા, આંદોલન ની ચિમકી.

Advertisement
Advertisement

તંત્ર ના ડેપ્યુટી એન્જીનિયરે અઠવાડીયામા નિરાકરણ ની ખાત્રી આપી મામલો થાળે પાડી ખેડુતો ને શાંત પાડી રવાના કરતા મામલો સમેટાયો.

ટંકારા પંથકમા ખેતીવાડી મા અપાતી વિજળી પુરવઠો વારંવાર ખોરવાઈ જતો હોવાથી તાલુકાના સાવડી ગામના ખેડુતો ઝબુક વિજળીના ધાંધીયા થી કંટાળી વિજતંત્ર ની કચેરી ખાતે દોડી આવ્યા હતા.અને તંત્રને ચાર દિવસ મા નિરાકરણ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપતુ લેખિત આવેદનપત્ર પાઠવ્યુ હતું. જોકે, ચમત્કાર વગર નમસ્કાર નહીં ના સુત્ર મુજબ તંત્ર હરકતમા આવી જઈ અઠવાડિયા મા કાયમી નિરાકરણ ની લેખિત ખાત્રી આપી રોષે ભરાયેલા ખેડુતો ને શાંત પાડી રવાના કર્યા હતા.
ગામડા સહિત શહેરી બાબુ ઓને વારંવાર વિજળી પરેશાન કરતી હોવાની કાયમી રાવ ઉઠતી રહે છે. આ મામલે ટંંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા સાવડી ગામના ખેડુતો ખેતીવાડીમા અપાતા વિજ પુરવઠા ના કાયમ ધાંધીયા થી કંટાળી મંગળવારે સવારે ટંકારા ખાતે આવેલી વિજતંત્ર ની કચેરી ખાતે સરપંચ ટી.એમ.પટેલ ઉપરાંત, ગામડાના સામાજીક કાર્યકર વિક્રમ કાલાવડીયા, ખેડુત ભગવાનજી ગોકળ ની આગેવાની હેઠળ અનેક ખેડુતો સાથે વિજતંત્ર ની કચેરી ખાતે દોડી આવ્યા હતા. અને તંત્રને આવેદનપત્ર પાઠવી રોજીંદા ફોલ્ટ લાઈન રીપેરીંગ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ગ્રામ પંચાયત ના લેટર હેડ પર અપાયેલા આવેદનપત્ર મા જણાવ્યા પ્રમાણે હાલ ખેતીકામ ની મોસમ હોય ગામડાના ખેડુતો ખેતીકામ મા મશગુલ હોય એવા ટાંકણે વાવેતર કરેલા મોલ ને પિયત કરવા માટે નિયમ મુજબ નિયમિત આઠ કલાક વિજ પુરવઠો અપાઈ છે. પરંતુ આઠ કલાક મા લગભગ ૧૦ થી ૧૫ વખત ટ્રીપિંગ આવે છે. વારંવાર વિજળી ખોરવાઈ જતી હોવાથી ખેતીકામ પડતુ મુકી ફરીયાદ કરવા તાલુકા મથકે દોડવુ પડે છે. ટેલિફોનિક ફોલ્ટ ફરીયાદ કે રૂબરૂ ફરીયાદ જાડી ચામડીના તંત્ર ના બહેરા કાને સંભળાતી ન હોવાથી ખેડુતો કંટાળી કાયમી નિરાકરણ માટે કચેરી એ ધસી આવ્યા હતા. જોકે,ચાર દિવસ મા કાયમી ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની લેખિત ચિમકી આપતા વિજતંત્ર ના રૂરલ સબ ડિવિઝન ના નાયબ ઈજનેર આઈ.એમ.મોડ પરીસ્થિતિ પામી ખેડુતો ને ટુંક સમયમા નિરાકરણ ની ખાત્રી આપતા ખેડુતો એ લેખિત ખાત્રી ની હઠ પકડી રાખતા અઠવાડીયામા નિરાકરણ કરી આપવાની લેખિત ખાત્રી આપી ખેડુતો ને શાંત પાડી રવાના કર્યા હતા.