એસટી બસમાં ઠંડાપીણામાં ઘેનની દવા પીવડાવી લૂટ કરનાર આરોપીને પાંચ વર્ષની કેદની સજા
મોરબી સેશન્સ કોર્ટમાં વર્ષ ૨૦૧૨ માં એસટી બસમાં યુવકને ઘેનની દવા પીવડાવી રોકડા ૫ હજાર તેમજ મોબાઇલની લૂટનો કેસ ચાલી જતાં મૌખિક અને દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલની કાયદાકીય દલીલોને આધારે આરોપીને તકસીરવાન ઠેરવી મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ સાહેબ દ્વારા આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.૬ હજારનો દંડની સજાનો આદેશ કરવામાં આવ્યો છે.
કેસની ટૂંક વિગત મુજબ કોડીનાર તાલુકાના આણંદપર ગામના રહેવાસી ભરતગીરી ભાવગીરી ગોસ્વામી ફેબ્રિકેશનના કામનો કોન્ટ્રાક્ટ રાખતા હોય ત્યારે કચ્છમાં એબીજી સિમેન્ટ ફેક્ટરીમાં ફેબ્રિકેશન કામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હોય. ત્યારે ફેબ્રિકેશનનું કામ ચાલુ હોય તે દરમિયાન ગત તા.૩૧ મે ૨૦૧૨ના રોજ રાત્રીના ભરતગીરી પોતાના ગામ જવા માટે ભુજ-વેરાવળ રૂટની એસટી બસમાં બેઠા હતા ત્યારે બાજુની સીટમાં બેસેલ આરોપી નીતિનભાઈ રમેશભાઇ ભટ્ટ સાથે સામાન્ય વાતચીત થઈ હતી, ત્યારબાદ સવારે ૦૧ જૂન ૨૦૧૨ના રોજ એસટી બસ ટંકારા તાલુકાના ગવરીદળ શિવશક્તિ હોટલે લાસ્ટ વોલ્ટ માટે ઊભી રહી હતી ત્યારે બાજુની સીટમાં બેસેલ આરોપીનીતિનભાઈ રમેશભાઇ ભટ્ટ એ થમ્સઅપ ઠંડાપીણામાં નીંદર આવે તેવી દવા નાખી ભરતગીરીને પીવડાવી પાકીટમાં રહેલ ૫ હજાર તેમજ કાર્બન કંપનીના મોબાઇલની લૂટ કરી નાસી ગયો હતો. ત્યારબાદ ભરતગીરીને વેરાવળ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા ૧૦૮ માં વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા જ્યાંથી તેમણે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે બનાવ ટંકારા પોલીસ મથકમાં બન્યો હોવાથી ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઇ નામદાર કોર્ટ હવાલે કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત ઘેનની દવા પીવડાવી લૂટ કર્યાનો કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આ કેસના ૧૧ મૌખિક અને ૧૫ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ તેમજ સરકારી વકીલ વિજયભાઇ જાની દ્વારા કરવામાં આવેલ દલીલોને અંતે મોરબી સેશન્સ કોર્ટ જજ સાહેબ દ્વારા આરોપી નીતિનભાઈ રમેશભાઇ ભટ્ટને ૫ વર્ષની સખ્ત કેદ તથા રૂ.૬ હજારના દંડની સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.