

ટંકારા ના હડમતીયા ગામે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરાવવાના સરકારી તાઈફા અંતર્ગત ગામડાની સરકારી પ્રાથમિક શાળામા કન્યા કેળવણી કાર્યક્રમ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.
જેમા, દિપ પ્રાગટય કરી ને કાર્યક્રમ નો પ્રારંભ કરાયો હતો. બાદ મા,સરકાર ના આદેશ અન્વયે ઉપસ્થિત રહેલા સરકારી અમલદાર ઉપરાંત મહાનુભાવો નુ સ્વાગત કરીને વહેતા મુકાયેલા સરકારી ઉત્સવમાં શાળા ના બાલવાડી અને ધોરણ એક ના ૭૦ ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે ગત સત્ર મા અવ્વલ નંબરે આવનારા વિધાર્થીઓને નવાજવામા આવ્યા હતા. ઉપરાંત, શાળાની વિદ્યાર્થીનીઓ વૃંદા સિણોજીયા અને અંજના ચાવડા દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષયો પર અમૃત વાંચન કરી ઉપસ્થિતોને પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે વિધાર્થીઓ માટે કમ્પ્યુટર લેબ ની શરૂઆત, વૃક્ષારોપણ કરાયુ હતુ અને સરકારી યોજનાઓ, શિષ્યવૃત્તિ સહાય સહિતની માહિતી શાળાના શિક્ષક ભાગીયા દ્વારા અપાઈ હતી. આ વેળાએ નાયબ નિયામક એમ.જે.અઘારા, મામલતદાર સખીયા,જી.પં.ના શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રીકાબેન કડીવાર, શૈલેષભાઈ સાણજા, સરપંચ પતિ પંકજભાઈ રાણસરિયા, રશ્મિબેન વિરમગામા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.