વાંકાનેર તાલુકાના મેસરીયા નજીક કચરો વીણવાનું કામ કરતી વેળાએ રસ્તો ઓળંગવા જતા અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા શ્રમિકનો મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે ટ્રક ચાલક વિરોધ ફરિયાદ દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા નજીક કચરો વિણવાનું કામ કરી રખડતું ભટકતું જીવન ગાળતા મૂળ ગોધરાના વતની ધનુબેન ભીખાભાઇ બારૈયા અને દિનેશ નામનો શ્રમિક તા.23ના રોજ કચરો વીણવા જતા હતા ત્યારે મેસરિયા ગામના પાટિયાથી આગળ રસ્તો ક્રોસ કરવા જતા અજાણ્યા ટ્રક ચાલકે દિનેશભાઇને હડફેટે લઈ લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ કિસ્સામા મૃતક દિનેશભાઇના પરિવાર કે અન્ય કોઈ વિગતો ન હોય હાલ ધનુબેનની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.