સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં કોલસાની અને વાંકાનેર તાલુકામાં પથ્થરની ગેરકાયદેસર ખાણોમા બેફામ બ્લાસ્ટિંગ થતા હોય રેન્જ આઈજી દ્વારા ગેરકાયદેસર રીતે વિસ્ફોટક સામગ્રીથી બ્લાસ્ટિંગ કરતા તત્વો ઉપર તૂટી પડવા આદેશ કરતા મોરબી એસઓજી ટીમ હરકતમાં આવી હતી અને એસઓજી હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયાને બાતમી મળી હતી કે વાંકાનેરના તરકીયા ગામની ઓળ નામથી ઓળખતી સીમમાં મોટા પ્રમાણમાં બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને મોટાપ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી સાથે પથ્થર કાઢવાની તૈયારી કરવામાં આવી રહી છે.
સચોટ બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે દરોડા પાડતા તરકિયા ગામની સરકારી સર્વે નંબર 163 પૈકી 1 પૈકી 24ની વિશાળ સરકારી ખરાબાની જમીનમાં આરોપી મુન્નાભાઇ વલુભાઈ બાંભવા રહે-તરકીયા તા.વાંકાનેર, પ્રદીપભાઇ આલકુભાઇ ધાધલ રહે મેસરીયા તા.વાંકાનેર, રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઈ સોનારા રહે જાનીવડલા તા. ચોટીલા તથા રણુભાઇ બાલાભાઇ બાંભવા રહે તરકીયા તા.વાંકાનેર નામના ચાર શખ્સોએ ખરાબાની જમીનમાં 45 ફૂટ ઊંડા 57 જેટલા બોર કરી તે પૈકીના 14 બોરમાં જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર ઉતારી બ્લાસ્ટ કરવા તૈયાર રાખેલ હોવાનું સામે આવ્યુ હતું.સતત બે દિવસ સુધી એસઓજી ટીમના ઓપરેશન બાદ આરોપી મુન્નાભાઇ વલુભાઇ બાંભવા, પ્રદીપભાઇ આલકુભાઈ ધાધલ, રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા અને રણુભાઇ બાલાભાઈ બાંભવાના કબ્જામાંથી પોલીસે બીઝાસન કંપનીની 2.78 કિલોની એક એવી 418 જીલેટિન સ્ટીક કિંમત રૂપિયા 92796 વજન 1161 કિલો, ઇલેકટ્રોનીક ડીટોનેટર 50 નંગ કિંમત રૂપિયા 7440, ટીએલડી વાયર નંગ-90 કિંમત રૂપિયા 3600 તેમજ મોબાઇલ ફોન નંગ-5 કિંમત રૂપિયા 25000 સહિત કુલ રૂપિયા 1,28,836નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વિશાળમાત્રામાં વિસ્ફોટકો ઝડપાઇ જવાના કિસ્સામાં મોરબી એસઓજી ટીમે આરોપી લોમકુભાઈ માનસીભાઈ ખાચર રહે.મેસરિયા અને દેવાયતભાઈ ડાંગર રહે.બેટી તા.મોરબી વાળાંના નામ ખુલતા બન્ને આરોપીઓને ફરાર દર્શાવી વિસ્ફોટકો ક્યાંથી લાવવામાં આવ્યા તે સહિતની બાબતોને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.