સીમમા જુગાર રમવા ગયેલા છ માથી એકેય પાસે મોબાઈલ કે સ્થળ પર એકેય વાહન ન મળતા પંથકમા પોલીસની નિષ્ઠા ની ચર્ચા ઉઠી છે.
ટંકારા તાલુકાના ખાખરા ગામે સીમમા જુગારીયાઓ ભેગા થઈ ગામડાના ચોક્કસ ઈસમના ખેતરમા છાનાછપના પતા ટીંચતા હોવાની ચોક્કસ બાતમી ટંકારા પોલીસને મળતા પોલીસે વગડામાં ત્રાટકી જાહેરમા ગંજીપો ચિપતા છ પતા પ્રેમી ને જુગારના પટ માથી રોકડા રૂપિયા ૬૬,૫૦૦/- સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ટંકારા તાલુકાના લતીપર રોડ પર આવેલા ખાખરા ગામે સીમ મા ખેડુતો ની ખેતીની જમીન આવેલી છે. અહીંયા પોલીસની નજરથી બચવા જુગારીયાઓ પતા ટીંચવાનુ સલામત ઠેકાણુ સમજી છાના છપના એકઠા થઈ પતા ટીંચતા હોવાની ચોક્કસ બાતમી ટંકારા પોલીસને મળી હતી. બાવનીયા ભક્તો રાબેતા મુજબ ખુલ્લા ખેતરમાં કુદરતી વાતાવરણમાં પતા ટીંચવામા મશગુલ હતા. એ ટાંકણે પતા બાંટવાનો અવાજ પોલીસના કાન સુધી પહોંચી જતા પોલીસ કાફલો બિલ્લીપગે જુગાર રમતા ખેલૈયાઓને ખલેલ ન પહોંચે એમ જુગાર અડ્ડે પહોંચી પતા ટીંચવામા લીન રહેલા ખાખરાના દક્ષ બિજલ રાઠોડ, લખમણ બાબુ ગોખરા, વિજય સવસી રાઠોડ, ઉપરાંત,જયેશ હિરા પેઢડીયા રહે. થોરીયાળી તા.પડધરી, રણછોડ રવજી પીપળીયા લતીપર, લખમણ વાઘજી માકાસણા ઘુનડા રોડ, મોરબી સહિતના છ એ શખ્સોને જુગાર પટ માથી રોકડા રૂપિયા ૬૬,૫૦૦/- સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. નવાઈની વાત એ છે કે, પોલીસે સીમમા જુગાર નો દરોડો પાડયો અને છ જુગારીઓ પકડાયા પણ ખરા પરંતુ સ્થળ પરથી એકેય મોબાઈલ કે વાહન પોલીસ ના હાથે ન આવ્યુ એ પોલીસ ની નિષ્ઠા પર શંકા ની આંગળી ઉઠ્યા વગર રહેતી નથી.