ખર્ચ નિરીક્ષકશ્રી પ્રસન્ના પ્રમોદકુમાર દાતારની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજાઈ

Advertisement
Advertisement
  • કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષકશ્રી પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ દાતારની ઉપસ્થિતિમાં મોરબી ચૂંટણી તંત્ર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં ખર્ચ નિરીક્ષકશ્રી પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોજવામાં આવેલી વિવિધ તાલીમ, વિવિધ બેઠકો, અધિકારીઓ/કર્મચારીને આપેલું માર્ગદર્શન તેમજ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે રેડ ચાર્ટ, સભા, વિવિધ ખર્ચ વગેરે અંગે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ઉપસ્થિત અધિકારી/કર્મચારીઓને સૂચના આપી હતી. ઉપરાંત તેમણે ૧ લાખથી વધુના કેશ ટ્રાન્જેક્શન પર બાજ નજર રાખવા પણ જણાવ્યું હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા તેમજ મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર દ્વારા ખર્ચ નિરીક્ષકશ્રીને કચ્છ સંસદીય મતવિસ્તારમાં મોરબી જિલ્લાનો સમાવિષ્ટ વિસ્તાર, સર્વેલન્સ માટે બનાવવામાં આવેલી વિવિધ ટીમ તેમજ ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર મીડિયા નોડલશ્રી ઘનશ્યામ પેડવા, ચૂંટણી મામલતદારશ્રી જાવેદ સિંધી તેમજ ફ્લાઈંગ સ્ક્વોડ, વીડિયો સર્વલન્સ ટીમ, સ્ટેટીક સર્વલન્સ ટીમ, વિડીયો વ્યુઈંગ ટીમ સહિતની ટીમના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.