છેલ્લા પંદર દિવસથી મધરાતે ટીખળખોર આખા મહોલ્લામા બેફામ પથ્થરમારો કરી પરેશાન કરતો હોવાની બુમરાણ.


ટંકારા શહેરને સુરક્ષિત રાખવા રજવાડાએ નગર ને ફરતી કિલ્લેબંધી કરતી તોતીંગ દિવાલ બાંધી હતી. નગરમા પ્રવેશવા માટે મુખ્ય ચાર પ્રવેશદ્વાર હતા. જોકે, રજવાડા એ સુરક્ષા માટે ઉભી કરેલી કિલ્લેબંધી પ્રત્યે સુગ હોય એવા વહીવટ થી આજે રાંગ (દિવાલ) સુરક્ષિત નથી. અને જર્જરીત થઈ તેના કાંગરા ખરી રહ્યા છે. એ ગઢ ની રાંગ નજીક ઉગમણા દરવાજા બહાર વસતા પરીવારોના ઘર ઉપર છેલ્લા પંદરેક દિવસથી ભેદી રીતે બેફામ પથ્થરમારો થઈ રહ્યો છે. કોઈ અજાણ્યા ટીખળખોર કે બીજા કોઈ ઈરાદે મધરાતે પથ્થરમારો થતો હોવાથી ભોગ બનતા પરીવારો રીતસર ફફળી રહ્યા હોવાથી પથ્થરો ના ઘા કરતા શખ્સ ને ઝડપી લેવા મહોલ્લાવાસીઓ મદદે આવી પંદરેક દિવસથી સ્વૈચ્છિક રાત્રી રોન ફરવા સાથે પોલીસ ને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ રાત ઉજાગરો કરી રહ્યો છે. છતા શાતિર દિમાગના ટીખળખોર હાથ આવતો ન હોવાથી શહેરભરમા આ વિચિત્ર મામલા ની ભારે ચર્ચા જાગી છે.

ટંકારાના ઉગમણા દરવાજા નજીક છાપરી થી સ્મશાન માર્ગ પર ઘણા પરીવારો નો વર્ષોથી વસવાટ છે. અહીંયા વસતા મહોલ્લામા લગભગ છેલ્લા પંદરેક દિવસથી મધરાતે પરીવાર પરવારી નિંદર માણી રહ્યો હોય ત્યારે અચાનક પથ્થરો નો વરસાદ થાય છે. શરૂઆતના તબક્કે કોઈએ કાંકરીચાળો કર્યા નુ માની આ મુદ્દે ગંભીરતાથી લક્ષ આપ્યુ નહોતુ. પરંતુ ત્યારબાદ નિરંતર દરરોજ પથ્થરમારો થવા લાગતા હવે તો અહીંયા વસનારા ડરવા લાગ્યા છે. અને પથ્થરમારાથી બચવા ઘર મા લપાઈ ને પુરાઈ જવા સાથે પરેશાન કરનારા ને પકડવા આખા વિસ્તારના પુરૂષ સભ્યો રાત્રી પહેરો ભરવા લાગ્યા છે. દિવસે કામધંધો કરવો અને રાત્રે પરીવારની હિફાજત કરવા ફરજીયાત ફફડાટ સાથે જાગરણ કરવાનુ કાયમી થતા સ્થાનિક રહીશો રસીક પ્રભુભાઈ પટેલ, સંજય હીરાભાઈ,પ્રવીણભાઈ કુકડિયા,નાથાભાઈ વાઘેલા,ખેતાભાઈ મોતીભાઈ, મંગા મા’રાજ સામાજીક કાર્યકર હેમતભાઈ ચાવડાસહિતનાઓએ ભેદી મામલે પોલીસ થાણે મહોલ્લા વાસીઓને વિચિત્ર હરકતથી થતી પરેશાનીથી છોડાવવા રાવ કરતા પોલીસ પણ વિચિત્ર હરકત થી વાકેફ થઈ પોલીસ પહેરો સંગીન બનાવી સહકાર મા જોડાઈ અને વિસ્તાર ખુંદી ચોકી પહેરામા જોડાઈ છે. પરંતુ મોકો મળ્યે પથ્થરમારો અવિરત ચાલુ રહેતા વિચિત્ર હરકત કોયડો બની ગઈ છે. હવે તો દરરોજ રાત્રે કે દિવસે ઘરો ઉપર પથરોના ધડાધડ આવતા ઘા ના વિચિત્ર પ્રકારના કિસ્સા એ ભોગ બનતા પરીવારો મા ફફડાટ ફેલાવવા સાથે શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે. જોકે, ટીખળખોર હરકત કરનારો શંકાસ્પદ શખ્સ પોલીસ ની રડાર મા આવી ચુક્યો હોય ટુંક સમયમા ભેદભરમનો પડદો ચિરાઈ જવાની છાને ખુણે જાગેલી ચર્ચા ને પુષ્ટિ મળી રહી છે.