મોરબી જિલ્લામાં આવેલ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારનો કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવેશ થાય છે ત્યારે કચ્છના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ મોરબી જિલ્લાની મુલાકત લઈ મોરબી જિલ્લાચૂંટણી તંત્ર સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. આ મુલાકત દરમિયાન તેમણે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલ પોલિટેક્નિક કોલેજ, ઘુંટુ ખાતે સ્ટ્રોંગ રૂમની પણ મુલાકાત લીધી હતી.
લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે અને ચૂંટણીને પગલે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી ૬૫-વિધાનસભા મતવિસ્તારની મુલાકાતે આવેલા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી, જિલ્લામાં ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમ અને વિશિષ્ટ મતદાન મથકો, મતદારો માટેની વિવિધ સુવિધાઓ વગેરે બાબતે સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન શ્રી અમિત અરોરાએ જિલ્લા ચૂંટણી તંત્રને વિવિધ સૂચનો પણ કર્યા હતા.
૬૫-વિધાનસભા મતવિસ્તારની મુલાકાત દરમિયાન શ્રી અમિત અરોરાએ મોરબી વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ઘુંટુ ગામે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ તલસ્પર્શી નિરીક્ષણ પણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.
મોરબી કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.બી. ઝવેરી, મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, કચ્છ જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી મિતેષ પંડ્યા, કચ્છ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી મેહુલભાઈ દેસાઈ, મોરબી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ. ઝાલા, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, હળવદ પ્રાંત અધિકારીશ્રી ધાર્મિક ડોબરીયા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.