ચુંટણી પૂર્વે પોલીસે ગુફતેગુ દ્વારા વિસ્તાર, પરીસ્થિતિનો આગોતરા ક્યાસ કાઢવા પ્રયાસ.
આગામી લોકસભા ચુંટણી અંતગર્ત વર્તમાન પરીસ્થિતિ નો તાગ મેળવવા ટંકારા પોલીસ ટીમે શહેર ઉપરાંત, પંથકના ગામડાના રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ યોજી હતી. પોલીસે સ્થાનિક લેવલે આગેવાનો ઉપરાંત, પંથકના લોકો સાથે વાતચીત અને ગુફતેગુ કરી સંવેદનશીલ વિસ્તારો ની માહિતી મેળવવા સાથે સિમાંકનની ભૌગોલિક સ્થિતી અંગે પણ તાગ મેળવ્યો હતો.
આગામી ૭ મી મે એ યોજાનારી લોકસભાની ચુંટણી પૂર્વે ટંકારા સ્થાનિક પોલીસ આગોતરા આયોજન કરવામા લાગી ગઈ હોય એમ ચુંટણી પર્વ અનુસંધાને એલર્ટ થઈ તાલુકાની પરિસ્થિતિ ઉપર વોચ રાખવા અત્યારથી જ સતત દરરોજ હાઈવે પેટ્રોલીંગ, ગામડા ખુંદી રજેરજની માહિતી એકઠી કરી રહી છે. જે અંતર્ગત ટંકારા પોલીસ સબ ઈન્સ્પેકટર મુળુભા ધાંધલ ની રાહબરી હેઠળ પોલીસ કાફલો શુક્રવારે ટંકારા ટાઉન ઉપરાંત, તાલુકાના વિરપર,લજાઈ, જબલપુર, કલ્યાણપર, હીરાપર, રોહીશાળા, નેકનામ, મિતાણા સહિત ના ગામડાઓમા ફ્લેગ માર્ચ યોજી સ્થળ, સ્થિતિ અને વર્તમાન સંજોગો અંગે માહિતી મેળવી હતી. ઉપરાંત, પોલીસે ટંકારા શહેરના અને પંથકના સંવેદનશીલ વિસ્તારો અને કદાચ નાના-મોટા ઝઘડા કે દંગા-ફસાદ થાય તો તેવા વિસ્તારોમાં અને સંજોગો મા સરળતાથી પહોંચી શકાય એવા હેતુ માટે સ્થળ સ્થિતિ અને તાલુકા મથકના ભૌગોલિક રીતે જોડતા સિમાંકનની પણ તાજી માહિતી એકઠી કરી હતી. ઉપરાંત, પોલીસે સ્થાનિક લેવલના લોકલ આગેવાનો, ગલી મહોલ્લાના કાર્યકરો ઉપરાંત, સ્થાનિક અગ્રણીઓ, લોકો સાથે કુનેહથી ગુફતેગુ અને વાતચીત દ્વારા ચુંટણી અંતગર્ત વર્તમાન માહિતી પણ મેળવી હતી.