સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ નજીક નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસે વધુ ૩ આરોપીઓની ધરપકડ કરી હતી આ ત્રણેય આરોપીઓ વઘાસીયા ગામની સીમમાંથી ઝડપાયા હતા. નકલી ટોલનાકા અંગેના અહેવાલો પ્રકાશિત થયા બાદ વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે આવેલા વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જટુભા ઝાલા અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વ્હાઈટ હાઉસ સિરામિકમાં પોતે બનાવેલ રસ્તા પર વાહનચાલકોને કોઈપણ જાતની સત્તા વિના ગેરકાયદેસર રીતે બળજબરીથી લઇ જઈને ટોલપ્લાઝા દ્વારા નિયત કરેલ દર કરતા ઓછો ટોલ ઉઘરાવી સરકારને આર્થિક નુકશાન પહોંચાડી પોતે આર્થિક લાભ મેળવતા હોવાનો ઉલ્લેખ થયો હતો. આ પ્રકરણમાં પોલીસે તપાસનો દોર ચલાવ્યો હતો અને હાલ વધાસીયા ગામની સીમમાંથી વધાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરી હતી. આ પૂર્વે પોલીસે રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરી હતી. જોકે હજુ સુધી મુખ્ય આરોપી અમરશી પટેલ પોલીસની પકડથી દૂર છે.