હળવદ શહેરની મહર્ષિ ટાઉનશીપમાં દર વર્ષે ચોરીના બનાવો સામે આવે છે. જેમાં શહેરની મહર્ષિ ટાઉનશીપમાં ગત મોડી રાત્રે પરિવારજનો ગામડે ગયા હોય અને બંધ મકાનનો લાભ લઈ સાત જેટલા મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર ભગવાનભાઈના મકાનમાંથી ત્રણ જેટલી સોનાની વીટી તેમજ ચેઈનની ચોરી થઈ હોવાની તેમજ સંદિપભાઈ સુરેલાના મકાનમાંથી રોકડ રકમ 7 હજાર, રાજુભાઈ દરજીના મકાનમાંથી સામાન અસ્તવ્યસ્ત હોય અને મકાન માલિક હાજર ન હોવાથી આંકડો જાણી શકાયો નથી. તો સાથે રોનકભાઈના મકાનમાંથી બહારનો દરવાજો તોડી પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બળદેવભાઈના મકાનમાં પણ પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ થયો હતો. આ સિવાય સંજયભાઈ ભરવાડ અને અન્ય એક મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. જોકે કેટલી ચોરી થઈ છે અને કેટલા મકાનમાં ચોરી થઈ છે. તે પોલીસ ફરિયાદ બાદ સ્પષ્ટ જાણી શકાશે. જોકે એકસાથે સાત જેટલા મકાનોને તસ્કરોએ નિશાને બનાવતા પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.