મોરબીમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી બાદમાં ઉલ્ટી ઉબકાનું નાટક કરી મુસાફરની નજર ચુકવી તેના મોબાઇલ ફોન, રોકડ ચોરી લેતી ચાર શખ્સોની ટોળકીને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી લીધી છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીને આધારે રીક્ષામાં મુસાફરોને બેસાડી ઉલટી, ઉબકા કરવાના બહાને મુસાફરોના ખિસ્સા ખાલી કરી નાખતા આરોપી રાહીલ ઉર્ફે રાહુલ દીલાવરભાઈ બાબુવાણી, રફીક ઉર્ફે ભૂરો હનીફભાઈ શેખ, ગુણવંત ઉર્ફે ગુણો રાજુભાઈ મકવાણા, અને રમજાન ઉર્ફે રમજુ હુસેનભાઈ રાઉમાને ઝડપી લીધા હતા.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ચાર સભ્યોની આ ટોળકીના ચારમાંથી કોઇ એક રિક્ષા ચલાવતો હોય છે અને બાકીના પાછળ મુસાફરના સ્વાંગમાં બેઠા હોય છે. બાદમાં એકલ દોકલ મુસાફરને પાછળ બેઠેલા સાગરીતની વચ્ચે બેસાડી રિક્ષા ચાલુ થાય પછી સાગરીત પોતાને ઉલ્ટી થાય છે તેવો ઢોંગ રચી ચાલુ રિક્ષાએ બહારની સાઇડ ઉબકા કરવાનો ઢોંગ કરે છે. એ દરમિયાન બીજો સાગરીત જે તે મુસાફરના ખિસ્સામાંથી મોબાઇલ ફોન અથવા રોકડ સેરવી લઇ બાદમાં કોઇને કોઇ બહાનુ કરી જે તે મુસાફરને ઉતારી મુકી ભાગી જાય છે. છેલ્લા દોઢેક મહિના દરમિયાન આરોપીઓએ રાજકોટ, વાંકાનેર, ધ્રોલ, સરધાર, વિંછીયા, ચોટીલા, પડધરી સહિતના 36 સ્થળોએ લોકોને મુસાફર તરીકે રીક્ષામાં બેસાડી બાદમાં ઉલ્ટી-ઉબકા, ધક્કામુક્કી કે થૂંકવાના બહાને મુસાફરની નજર ચૂકવી ખીસ્સામાંથી મોબાઈલ અને રોકડ સેરવી લીધા હતાં. આરોપીઓ વિરુદ્ધ અગાઉ મોરબીમાં પણ ગુન્હા નોંધાઇ ચૂક્યાંનું જાણવા મળે છે.