આયોજન વગરના અણઘણ નિર્ણયે સરળ વહીવટીકરણને બદલે મુશ્કેલી વધારી.
રાજ્ય સરકારે ખોટી વાહવાહી ખાટવા માટે મહેસુલ વિભાગના જમીન દફતર વિભાગોનુ જીલ્લા મથકેથી વિકેન્દ્રીકરણ કરી રાજ્યના દરેક તાલુકા મથકે કચેરીઓ મકાન, ફર્નિચર, સાધનો કે પુરતા સ્ટાફ વગર હુકમ કરી તાત્કાલિક અમલ પણ કરી દેવામાં આવ્યો છે. અગાઉ જીલ્લા મથકે ડીઆઈએલઆર, સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કે એસ એલ આર પાસે કર્મચારીઓ, અધિકારી અને કચેરી સહિતના ખર્ચ કરવાના સતાવાર પાવર હોવાથી સમયસર પગાર થઈ જતા હતા. પરંતુ ડીઆઈએલઆર અને સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ ની પોસ્ટ જ કલમ ના એક ઝાટકે બુધ્ધિનુ પ્રદર્શન કરી રદ કરી દેવાઈ હતી. હવે જીલ્લા મથકે માત્ર એસએલઆર ને સતા સોંપવામાં આવી હોવાના હુકમ કરી દેવામાં આવ્યા છે. પરંતુ નાણા ખર્ચ કરવા માટે કાર્ડેક્ષ નંબર સહિતની પ્રક્રિયા માત્ર કાગળ પર રમાઈ રહી હોવાથી કર્મચારીઓની હાલત કારમી મોંઘવારીમાં ભારે કફોડી બની ગઈ છે.
સરકાર દ્વારા રેવન્યુ વિભાગના અતિ મહત્વના અંગ ગણાતા લેન્ડ રેકર્ડ વિભાગનુ વિકેન્દ્રીકરણ કરી આયોજન વગર ગત જુન મહિનામાં તાલુકા મથકે કાર્યરત કરી દેવાઈ છે.અને જીલ્લા જમીન દફતર નિરીક્ષક ની જગ્યા રદ કરી તેનુ નામાભિધાન ઈન્સ્પેકટર ઓફ લેન્ડ રેકર્ડ કરી દેવા સાથે સીટી સર્વે કચેરી મર્જ કરી દેવાતા સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ ની પોસ્ટ પણ રદ થઇ ગઈ છે.અને જીલ્લા મથકે કાર્યરત કચેરી ના કર્મચારીઓને પણ તાલુકા મથકે ફાળવી દેવાયા છે. પરીણામે ડીઆઈએલઆરની સહીથી થતા પગારના નાણા ખર્ચ કરવાની સત્તા પણ આપોઆપ રદ થઇ ગઈ છે.હવે જીલ્લા મથકે સુપ્રિટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ આખા જીલ્લા ના કર્મચારીઓ ના પગાર સહિતના ખર્ચ કરવાની સત્તા કાગળ ઉપર આપી દેવાઈ છે. પરંતુ કર્મચારીઓના પગાર જેવા મહત્વના મુદ્દે ગંભીરતાથી આગોતરા આયોજન ન હોવાથી સમગ્ર ગુજરાત ના મહત્તમ તાલુકાના કર્મચારીઓની હાલત કફોડી બની છે. છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થવાથી કારમી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવામા કર્મચારીઓ હાલ ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરીવારની જવાબદારી વેંઢારતા કરીયાણુ, દુધ,દવા, માંદગી,બાળકોની સ્કુલ ફી સહિતના પ્રશ્ર્નો ઉદભવતા સરકારના કર્મચારીઓ ના મુદ્દે ઉદાસીન વલણ થી કોઈ કર્મચારી કારમી મોંઘવારીમા પિસાઈને કદાચ વ્યાજ ના વિષચક્ર મા ફસાઈને અંતિમ પગલું ભરી લેશે એવો આર્તનાદ કરી રહ્યા છે.માત્ર વાહવાહી કરાવવા માટે ઉતાવળે વિકેન્દ્રીકરણ કરી દેવાયેલી લગભગ કચેરીઓ માત્ર એક નાનકડી ઓરડીમાં શરૂ કરી દેવાઈ છે. અહીંયા સ્ટાફ ને બેસવા પુરતી ટેબલ, ખુરશી ની વ્યવસ્થા તો નથી અને કચેરી ચલાવવા માટે પણ કર્મચારીઓ ગાંઠ ના નાણા ખર્ચ કરી ભારે મુશ્કેલીમા મુકાયા છે. મોરબી લેન્ડ રેકર્ડ કચેરીમાથી ગત જુન મહિનામાં નિવૃત્ત થયેલ પટાવાળા કક્ષાના જોષી અટકધારી કર્મચારીને જુન નો પગાર તો ઠીક પરંતુ બે મહીનાથી પેન્શન પણ શરૂ થયુ નથી.કારણકે, છેલ્લા મહીનાની પગાર સ્લીપ કચેરીએથી મળેલ ન હોવાથી પેન્શન સહિતના હક્ક હિત ના નાણાથી વંચિત રહેતા પરીવાર ભારે મુશ્કેલીમા મુકાયો છે.



