ફોટો સ્ટોરી.
ટંકારામા સોમવારે એકીસાથે બે કપિરાજા અચાનક આવી ચડ્યા, મોજથી પાણીપુરીનો સ્વાદ માણ્યો.

હર્ષદ ત્રિવેદી.
ટંકારા શહેરમા અનેકવાર ઓચિંતા વાનરરાજ અકસ્માતે આવી ચડ્યા બાદ બે ચાર દિવસ ગોઠે ત્યા સુધી રોકાણ કરી અન્ય શહેર તરફ પ્રયાણ કરી જતા હોય છે. એ મુજબ સોમવારે શહેરમાં એકીસાથે બે કપિરાજા ક્યાંકથી આવી પહોંચ્યા હતા. શહેરના અનેક વિસ્તારની મુલાકાત લઈ ઢળતી બપોરે દયાનંદ ચોકમા આવેલ જુના પોલીસથાણા પાસે પાણીપુરી ની લારીએ આવી પહોંચતા રેંકડીવાળાએ મોટુ મન રાખી ને વાનરરાજ બેલડીના હવાલે લારી છોડી મોજથી પાણીપુરીનો ચસ્કો માણવા મોકળાશ આપી હતી.
શ્રાવણના બીજા સોમવારે ટંંકારામા આ વખતે એકી સાથે બે વાનરરાજ ની જોડી આવી પહોંચી હતી. શહેરના અનેક વિસ્તારોમા વટભેર લટાર મારી ઢળતી બપોરે દયાનંદ ચોકમા પાણીપુરી ની લારી પર વાનરરાજાની જુગલ જોડીએ ધામા નાખતા પાણીપુરી વાળા ભૈયાએ મોટુ મન રાખી ને પોતાની રેંકડી કપીરાજની જોડીના હવાલે કરી દુર ખસી વાનરરાજ ની નિર્દોષ રમત નો નજારો માણ્યો હતો. લારી પર કબજો જમાવી બંને કપિરાજાએ પાણીપુરી નો સ્વાદ માણતા જાણે પાણીપુરી નો ચસ્કો લાગ્યો હોય એમ પુરી ઝાપટી પાણીપુરી ની જયાફત ઉડાવી હતી. અનેક લોકોએ વાનરરાજ ની બિન્દાસ હરકતો કચકડે કંડારી હતી. ઉપસ્થિત લોકો હિંદુ ધર્મ ના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હનુમાનજી મહારાજ યાત્રાએ નિકળ્યા હોવાની કોમેન્ટ કરી મજા માણતા જોવા મળ્યા હતા.


