વર્ષોથી યેનકેન પ્રકારે સંગઠનમા ગોઠવાઈ ગયેલાઓ બેઠક બોલાવ્યા વગર હોદા વહેંચી લેતા હોવાના આક્ષેપ.

મોરબી જીલ્લામા વર્ષોથી કોંગ્રેસપક્ષની હાલત કથળતી જવા પાછળ જ્ઞાતિવાદ નો અજગર ભરડો પક્ષને સંપુર્ણ પણે ખતમ કરી નાંખે એવા ત્રાગડા સામે આવ્યા છે. જેમા, યેનકેન પ્રકારે સંગઠનમા ગોઠવાઈ ગયા પછી પ્રજા તો ઠીક પક્ષના વફાદાર કાર્યકરોને પણ દાદ દેવામા આવતી નથી. તાજેતરમાં ટંકારા કોંગ્રેસના બે ત્રણ સંગઠન ના છાપેલા કાટલાઓએ વારાફરથી હોદા બદલી લેવાની જાતે ચાતરેલી પ્રણાલી મુજબ સંગઠન બેઠક બોલાવ્યા વગર જીલ્લાના મળતીયા હોદેદાર સાથે ઘરમેળે પરામર્શ કરી પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીને ઉલ્ટા ચશ્મા પહેરાવીને દલા તરવાડી નિતી પ્રમાણે હોદા બાટણી કરી લેતા પક્ષના જુના અને પાર્ટીના વફાદારો ખુલ્લીને કાગારોળ મચાવતા લાજવાને બદલે કાર્યકર ને સસ્પેન્ડ કરી બીજા કાર્યકરો ઉપર ધાક બેસાડવા શરમજનક પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વખતે પક્ષના વફાદાર કાર્યકરો સમસમીને બેસવાને બદલે જાતિવાદી કીડાથી વધુ માહિતી ગિન્નાયા હોય એમ ટંકારા મહિલા કોંગ્રેસ પ્રમુખે સ્થાનિક મામકાવાદ થી કંટાળી પક્ષના હોદા પરથી રાજીનામું ધરી દીધું હતુ. જાણવા મળ્યા પ્રમાણે જો આપખુદશાહી ને બ્રેક નહીં લાગે તો વધુ આફટરશોક ની શક્યતા વર્તાઈ રહી છે.
તાજેતરમા, મોરબી જીલ્લા કોંગ્રેસમા ઘર કરી ગયેલી જાતિવાદી રાજનીતિ પ્રમાણે જીલ્લા પ્રમુખ નયન અઘારાએ ટંકારા શહેર કોંગ્રેસમા સંગઠન બેઠક બોલાવ્યા વગર પ્રદેશ નેતાગીરી ને ઉંધા ચશ્મા પહેરાવી પટેલ દુષ્યંત ભૂતને તેની ક્ષમતા ચકાસ્યા વગર માત્ર પટેલ હોવાથી પ્રમુખ પદ તાસક ધરી દેતા સ્થાનિક કાર્યકરોમાં વર્ષોથી હુ તુ અને રતનીયોની મેલી રાજરમત થી ધુંધવાટ હતો તે રોષ સાથે લાવા બની જાહેરમા આવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસ પક્ષની વિચારધારાથી વર્ષોથી જોડાયેલા કોઈ અપેક્ષા વગર વફાદાર સૈનિક બની કાર્યકર્તા કાર્યકરો મા ભારે નારાજગી સાથે રોષ ફાટી નીકળ્યો હતો.કાર્યકરોની નારાજગીથી બોધ લેવાના બદલે કાર્યકરોને દબાવવા રમેશ રબારીને સસ્પેન્ડ કરી ધાક જમાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વખતે મામલો થાળે પડવાને બદલે વધુ વકર્યો હતો. આ વખતે પક્ષમા યેનકેન પ્રકારે સંગઠનમા પગદંડો જમાવી બેઠેલાઓને બેનકાબ કરવાનો નિર્ધાર કરીને પક્ષના જુના અને વફાદાર કાર્યકરો ખુલ્લેઆમ વિરોધ કરવા સજ્જ થયા છે. પક્ષના વલણ સામે મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન ચેતન ત્રિવેદીએ પોતાના પદ પરથી રાજીનામુ ધરી ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. જાણવા મળ્યા પ્રમાણે જો આગામી દિવસોમાં જાતિવાદી મેલી રાજનીતિ ને બ્રેક નહીં લાગે તો હજુ વધુ આફટરશોક ની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે.


