અગાઉ પોલીસે સાત શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી મહત્તમ રકમ રીકવર કરી ભોગ બનનાર ને પરત કરી દીધી હતી.

ટંકારા નજીક હાઈવે પર દસેક માસ પૂર્વે આંગડીયા કાર ને આંતરી રૂપિયા ૯૦ લાખ ની ધોળા દિવસે થયેલી દિલધડક લુંટ પ્રકરણમા પોલીસે બનાવની ગંભીરતા પારખી ચલાવેલી ત્વરિત કામગીરી લુંટમા સંડોવાયેલા સાત શખ્સોને સમયાંતરે ઝડપી પાડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.જયારે, લુંટનો પ્લાન ઘડવામા સામેલ આઠમો શખ્સ પોલીસથી બચવા નાસતો ફરતો હોય એ ઈસમ ટંકારા લટાર મારવા આવ્યો હોવાની બાતમી આધારે પોલીસે પકડી પાડી વધુ વિગતો ઓકાવવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની વિગત અનુસાર આજથી દસેક મહિના પૂર્વે ગત તા. ૨૧ મી જુલાઈ ની સમી સાંજે રાજકોટ થી રોકડ રકમનો હવાલો આપવા હાઈવે પર નિકળેલી આંગડીયા કારનો પીછો કરી ટંંકારા નજીક અન્ય કાર થી ઠોકર મારી અકસ્માત સર્જી રૂપિયા ૯૦ લાખ ની દિલધડક લુંટ કરવાના પ્રકરણમા પોલીસે બનાવની ગંભીરતા પારખી તાબડતોબ હરકતમા આવીને સમયાંતરે એક બાદ એક સાત લુંટારાઓને જ ઝડપી લીધા હતા જ્યારે, લુંટમા સામેલ મૂળ ભાવનગર જીલ્લાના સાંજણાસર નો હાલ સુરત રહેતો ત્રેવીસ વર્ષિય ભરવાડ દર્શિલ કરસન બોળીયા ટંકારા લટાર મારવા આવ્યો હોવાની સચોટ બાતમી મોરબી Lcb અને ફર્લો સ્ક્વોડ સ્ટાફને મળતા ક્રાઈમ બ્રાન્ચના પોસઈ ભટ્ટ, સ્ક્વોડના પોસઈ માલાણીએ પોતાની ટીમના ઈશ્વરભાઈ, શેખરભાઈ, ભરતભાઈ, પ્રદિપસિંહ સહિતનાઓ સાથે બિલ્લિપગે ટંકારા લતિપર ચોકડી પર છુપાઈને દબોચી લીધો હતો. વધુ તપાસ અર્થે ટંકારા પોલીસ હવાલે કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, અગાઉ પોલીસે ભાવનગરના ભરવાડ અભિ લાલા અલગોતર, અભિજીત ભાવેશ ભાર્ગવ, લુંટનો માસ્ટર માઈન્ડ ટંંકારા નો સ્થાનિક કારખાનેદાર લખધીરગઢના દિગ્વિજય અમરસી ઢેઢી, ભાવનગર જીલ્લાના આંજણાસર ગામના હિતેષ પાંચા ચાવડા, સુરતના મેહુલ બલદાણીયા ઉર્ફે કાનો આહિર, ભાવનગરના ભરવાડ નિકુલ કાના અલગોતર, અલ્પેશસિંહ કનુભા ઉર્ફે અલ્પેશ જોગરાણાને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે, આજે દર્શિલ ભરવાડને ઝડપી લેતા આઠેય શખ્સો ઝડપાઈ ગયા હતા.


