મોરબી સાયબર ક્રાઈમના ગુન્હામાં આરોપીનો ડીસ્ટ્રકટ કોર્ટમાં જામીન પર છુટકારો
મોરબીના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયેલા ૯૮ લાખ રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં આરોપીને મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. જેમાં આરોપી પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલ કાયદાકીય દલીલો તેમજ આરોપી અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોય ત્યારે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટએ આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ કરાયો હતો.
મોરબી શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી સામે આઈ.ટી. એક્ટ સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદી તરફથી નોંધાયેલ કેસની વિગતો મુજબ, આરોપી વોટ્સએપ દ્વારા જોન્સન કંપનીના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર શરત ચાંડાક બન્યો હતો અને ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી અને ફરીયાદી અવારનવાર વોટસએપ ચેટ ધ્વારા આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યવહાર કરતા હોય અને ફરીયાદીને આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર ફરીયાદીના વોટસએપમાં મોકલ્યા હોય અને ફરીયાદીને રૂ. ૯૮,૦૦,૦૦૦/- ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે મોકલી આપવા ચેટથી વાત કરેલ હોય જેથી ફરીયાદીએ આ યુકો બેંક એકાઉન્ટ નંબરમાં રૂ. ૯૮,૦૦,૦૦૦/- આર.ટી.જી.એસ. ધ્વારા મોકલી આપેલ હોય અને ફરીયાદીએ આ શરત ચાંડાક સાથે વાત કરતા પોતે ફરીયાદીને કોઈ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હોય અને ફરીયાદીને જાણવા મળેલ કે આરોપી મોબાઈલ નંબર તથા યુકો બેંક એકાઉન્ટ નંબરના ખાતાધારકે મળી ગુનાહિત કાવતરુ રચી ફરિયાદી સાથે નાણાકીય વ્યવહાર કરીને ૯૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન આરોપી પક્ષે દલીલ કરી કે, ટ્રાયલ લાંબી ચાલવાની શક્યતા છે અને જો આરોપીને જામીન આપવામાં નહીં આવે તો તે પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટ જેવી સ્થિતિમાં આવી જશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, ‘જામીન એ નિયમ અને જેલ એ અપવાદ છે,’ તેથી આરોપીને શરતી જામીન આપવા જોઈએ. આ કેસમાં આરોપી તરફથી ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, આર.ડી. ચાવડા (રવિ ચાવડા), કુલદીપ ઝીઝુંવાડીયા, આરતી પંચાસરા, કૃષ્ણા જારીયા અને મહેશ્વરી મકવાણાએ દલીલો રજૂ કરી હતી. ત્યારે બંને પક્ષોની તમામ દલીલો સાંભળ્યા બાદ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.