ટંકારામા શહીદ સ્તંભ ઉખેડી ફેંકી દેવાના મુદ્દે તપાસ સંકેલાઈ જશે તો વડી અદાલતમા જવાની ચિમકી

Advertisement
Advertisement

દોઢ વર્ષ પૂર્વે શહીદોની યાદમા વવાયેલા વૃક્ષો અને સ્તંભ ઉખેડી ફેંકી દેવાયા.

 

ટંકારા તાલુકા પંચાયત નજીક આવેલી જમીન પર આજથી દોઢ વર્ષ પૂર્વે સરકારના અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ રાષ્ટ્ર ના શહિદ નરબંકા સૈનિકોની યાદ ને કાયમ જીવંત રાખવા વૃક્ષારોપણ અને શહિદ સ્મારક સ્તંભ (શિલા ફલક) ઉભો કરાયો હતો. પરંતુ હાલ, સ્તંભ કે દોઢ વર્ષ પૂર્વે વવાયેલા વૃક્ષો નુ અસ્તિત્વ ન હોય નિકંદન કાઢી નંખાયુ હોવાનો મુદ્દો છેડી ટંકારાના જાગૃત યુવાને રાષ્ટ્રના વિર શહીદોની સ્મૃતિ માટે યોજાયેલ કાર્યક્રમ ના શહિદ સ્તંભ પણ સલામત ન હોવાની રજુઆતરૂપે લેખિત ફરીયાદ સ્થાનિક તંત્રથી માંડી મુખ્યમંત્રી સહિતનાઓને એકાદ માસ પૂર્વે કરી શહીદોનુ માન જાળવવા અને શહીદ સ્તંભ અને વૃક્ષો નુ નિકંદન કાઢનારાઓ સામે પગલા લેવા માંગણી કરી હતી. જોકે, તપાસ ના આદેશ પણ છુટયા હતા. પરંતુ તપાસ બાદ પ્રકરણ ભીનુ સંકેલાઈ ગયા ની આશંકા સાથે આ મુદ્દે યુવાને તટસ્થ તપાસને અંતે જવાબદારો સામે રાષ્ટ્રદ્રોહ નો ગુન્હો દાખલ નહીં થાય તો વડી અદાલતના દ્વાર ખટખટાવવા ની ચિમકી ઉચ્ચારતા ફરી એકવાર આ મુદ્દો ગરમાયો છે.

 

 

ટંકારામા છેલ્લા એક મહિનાથી બહુ ચર્ચિત સરકારી કાર્યક્રમ અંતર્ગત સ્થપાયેલા શહીદ શીલા ફલક (સ્તંભ) ની વિગતો મુજબ ટંકારાની લતીપર ચોકડી થી માત્ર ૫૦૦-૭૦૦ મીટર દુર લતીપર રોડ ઉપર વોકળા કાંઠે તાલુકા પંચાયત સામે સર્વે નંબર ૭૩૧ ની મૂળ સરકારી જમીન આવેલી છે. આ જમીન મા મોટાભાગની જમીન સાથણી થયેલી છે. એ પૈકી ની ખુલ્લી પડેલી જમીન ઉપર ગત તા. ૧૦/૮/૨૩ ના આઝાદી ના અમૃત મહોત્સવ કાર્યક્રમ પ્રસંગે ટંકારાના તત્કાલીન ટીડીઓ ના સીધા માર્ગદર્શન હેઠળ રાષ્ટ્ર ની સુરક્ષા કાજે શહિદ થયેલા શહિદ વીર નરબંકાઓ ની યાદ કાયમ લોકહૃદયમાં જીવંત રહે એ માટે આ સરકારી જમીન પર ૭૫ મા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ વૃક્ષો નુ વૃક્ષારોપણ કરાયુ હતુ અને અહીંયા જ કેન્દ્ર સરકાર આયોજીત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ શહીદોની સ્મૃતિ માટે શહીદ સ્મારક સ્તંભ ટંકારા ના તત્કાલીન સરપંચ ઉપરાંત, અનેક આગેવાનો અને દેશના સિમાડા ની સુરક્ષા કરતા નિવૃત્ત સૈનિકો ની ઉપસ્થિતિ મા ઉભો કરાયો હોવાના ફોટા સાથે ટંકારાના જાગૃત નાગરીક રમેશ રબારી નામના યુવાને સ્થાનિક તંત્ર થી માંડી ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિતનાઓને ફરીયાદ રૂપે પત્ર લખી રાષ્ટ્રના વિર શહીદો ની યાદ લોક હ્યદય મા જીવંત રાખવા રોપાયેલા વૃક્ષો અને શહીદ સ્મારક સ્તંભ દોઢ વર્ષ પછી ત્યા અસ્તિત્વમા ન હોવાની ફરીયાદ કરીને રાષ્ટ્ર માટે બલિદાન આપનારા દેશના શહીદ વિર નરબંકાઓ ના શહીદ સ્તંભ અને વૃક્ષો નુ નિકંદન કાઢનારાઓ સામે રાષ્ટ્રદ્રોહ નો ગુન્હો નોંધી દાખલારૂપ કાર્યવાહી કરવા માંગણી કરી હતી, ફરીયાદ બાદ સરકાર પક્ષે થી તંત્ર હરકતમા આવ્યુ હોય એમ તપાસનુ ડીંડક પણ કરાયુ હતુ. પરંતુ હાલ એ મુદ્દે હાલ ઢાંક પિછોડો થતો હોય અને ભીનુ સંકેલાઈ જવાની શંકા સેવાતા ફરી ટંકારાના જાગૃત યુવાન રમેશ રબારીએ આ મામલે કલેકટર ને લેખિત પત્ર પાઠવી હાલ આ જમીન પર થતા બાંધકામ ને અટકાવી યોગ્ય અને તટસ્થ તપાસ નહી થાય તો રાજ્યની વડી અદાલતના દ્વાર ખટખટાવવા ની ફરજ પડવાની ચિમકી ઉચ્ચારતા ફરીવાર આ મુદ્દો ગરમાયો છે.