હળવદ તાલુકાના ચરાડવા ના આધેડે સગા સંબંધીની મધ્યસ્થી થકી રાજકોટ ની યુવતી સાથે ટંકારાના જીવાપર ગામ ની સીમમા આવેલ મંદિરમા માતાજીની સાક્ષીએ લગ્ન કર્યા હતા. અને મંદિરમા જ નક્કી થયા મુજબ ના એક લાખ રૂપિયા રોકડા ચુકવ્યા હતા. પરીણ્યા બાદ આધેડ પોતાની દુલ્હનને લઈ પોતાના ગામ પરત આવી ગયા હતા. પરંતુ બીજે દિવસે સવારે દુલ્હને સામાજીક વાયણા ની રીત રસમ પ્રમાણે બીજે દિવસે પરત આવવાની હૈયાધારણા આપી ને પોતાના માવતર ના ઘરે ગયા બાદ ગુમ થઈ જતા પોતે લુંટેરી દુલ્હન નો ભોગ બન્યા નુ જ્ઞાન લાધતા ટંકારા પોલીસ નુ શરણ લઈ ફરીયાદ નોંધાવી હતી.
જાણવા મળ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જીલ્લા ના હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા મુકેશ ડાયાભાઈ સોલંકી (ઉ.વ.૪૦) નામના આધેડે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી કે, ધાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા પોતાના સગા મુકેશ જીવાભાઈ ચાવડાને પોતાના લાયક ઠેકાણુ બતાવવા ફરીયાદી ની માતા એ કહેતા તેઓએ રાજકોટ રહેતા જોસનાબેન ની જાણીતી તુલસી ગોસાઈ નામની કન્યા હોવાનુ કહીં જોસનાબેન અને કન્યા (તુલસી) સાથે મુલાકાત કરાવી હતી. એકબીજાને અનુકુળ આવતુ હોય વાતચીત મુજબ લગ્ન થાય એટલે મંડપમા જ રૂપિયા એક લાખ રોકડા ચુકવવા સોદો નક્કી થતા કન્યા પક્ષેથી ગત ૨૯ નવેમ્બરે ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમા આવેલ મેલડી માતાજી ના મંદિરે લગ્ન માતાજી ની સાક્ષીએ ચાંદી નુ મંગલ સુત્ર અને ફુલહાર થકી લગ્ન કરાવી ત્યા જ લેતીદેતી ની નક્કી થયેલી એક લાખ રકમ ચુકવી આધેડ પોતાની દુલ્હન સાથે પોતાના ગામ ચરાડવા આવી ગયા હતા.બીજે દિવસે સવારે જ કન્યા એ સામાજીક તેડવા મુકવાની (વાયણુ) રસમ કરવા કહીં પોતે માવતરના ઘરે જવુ પડશે કહેતા ભોગ બનનાર આધેડ મોરબી સુધી દુલ્હનને મુકી ગયા હતા આ વખતે બીજે દિવસે તેડી જવાના કોલ આપી દુલ્હન રાજકોટ ની બસ મા રવાના થઈ હતી. એક દિવસ પછી પોતે તેડવા આવે છે એવો ફોન કરતા કન્યાએ પોતે જામનગર હોય બપોરબાદ આવવા કહ્યુ હતુ પરંતુ સાંજે હરખાતા સાસરે પહોંચતા દુલ્હન કે વચેટ જોસના બંને ના ઘરે તાળા લટકતા હતા અને બંનેના મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતા ઠેકાણુ દેખાડનાર માસી ના દિકરા મુકેશ ચાવડાનો સંપર્ક કરતા તેણે હાથ ઉંચા કરી દેતા પોતે લુંટેરી દુલ્હન મા ખંખેરાયા નો અહેસાસ થતા અંતે પોલીસનુ શરણે આવી ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.