માળિયા પોલીસ સ્ટેશનના કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી લાંચની માંગણી કરી હોય અને એસીબીના છટકામાં આબાદ ઝડપાયા હતા જે લાંચ કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા સ્પેશ્યલ એસીબી કોર્ટે આરોપીને ૫ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત ફરિયાદી મનોજભાઈ નિરંજનભાઈ હેડાઉ રહે જૈન દેરાસર સામે માળિયા વાળાના ભાઈના પત્ની પુજાબેનને નૈરોબી જવાનું નક્કી થતા પાસપોર્ટ બનાવવા માટેની પ્રોસેસ કરી હતી અને તા. ૧૭-૦૩-૨૦૧૪ ના રોજ માળિયા પોલીસ સ્ટેશનમાંથી ભાઈના પત્ની પુજાબેનને ફોન આવતા ગયા હતા અને પોલીસ વાળા અમરતભાઈએ સહી લીધી બાદમાં રૂ ૫૦૦ આપવા કહ્યું હતું જેથી ચલણ ફી તો ભરી દીધી છે શેના રૂપિયા માંગો છો ? કહેતા અમરતભાઈએ પાસપોર્ટ ઇન્ક્વાયરીને લગતી કામગીરી કરેલ છે જેથી વહેવાર પેટે રૂ. ૫૦૦ આપવા પડશે નહીતર પાસપોર્ટ બનશે નહિ
જે લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબીમાં ફરિયાદ કરી હતી અને છટકું ગોઠવી લાંચિયા પોલીસ કર્મચારીને ઝડપી લેવાયો હતો જે કેસ સ્પેશ્યલ જજ (એ.સી.બી.) અને પ્રિન્સીપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કોર્ટમાં ૭ મૌખિક અને ૩૫ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે માળિયા (મી.) પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અમરતભાઈ માવજીભાઈ મકવાણાને કસુરવાન ઠેરવ્યો હતો
કોર્ટે આરોપી અમરત માવજી મકવાણાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૭ મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી ૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ, દંડ ના ભરે તો વધુ ૧ માસની કેદની સજા ફટકારી છે તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩ (૨) સાથે વાંચતા ૧૩(૧)(ઘ) મુજબના ગુનામાં ૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૧ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે