વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં રાજવી પરિવારના મહારાજ કુમાર સાથે કુંવારીબા દ્વારા વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી આરતી ઉતારી
વાંકાનેર : રાજાશાહી ગયે તો સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં રાજાશાહીમાં જે રાજા પ્રજાવત્સલ રાજવીની છાપ છોડી ગયા તે રાજવીઓના વંશજોને પ્રજા આજે પણ પૂરું માન સન્માન આપે છે. ત્યારે દિલ્હી સ્થિત પૂર્વ IAS મહારાજ કુમાર સાથે તેમના દીકરી કુંવારીબાએ ધારાસભ્ય દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયથી આયોજિત માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલ ખાતે ગણપતિ બાપ્પાના દર્શન કરી આરતી ઉતારવાનો લહાવો લેવા પહોંચ્યા હતા.
વાંકાનેરના પૂર્વ મહારાજ કુમાર રણજીતસિંહજી (IAS, નિવૃત્ત) વર્ષોથી દિલ્હીમાં રહે છે અને WWF India તથા INTACH જેવી ટોચની સંસ્થાઓના સહયોગમાં રહી પ્રકૃતિ અને સંસ્કૃતિના રક્ષણ, જતન તેમજ જાગૃતિના કાર્યમાં અતિ વ્યસ્ત રહે છે તેથી વાંકાનેરમાં આવી જનસંપર્કમાં રહેવાનું જવલ્લેજ બને છે.
તાજેતરમાં ચાલી રહેલ ગણેશ ઉત્સવ દરમ્યાન તારીખ ૧૧મી સપ્ટેમ્બરના મહારાજ કુમારને વાંકાનેર આવવાનું થતાં તેઓ તથા તેમના કુંવારીબા (વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ) વાંકાનેરના ટાઉન હોલમાં બિરાજતા ગજાનન મહારાજના દર્શને પધાર્યા ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જાણીતા ડોકટર કિરણ ગોસાઈ, ડો. ભિમાણી સહિત ઉપસ્થિત સર્વે નગરજનોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ડો. જયવિરસિંહ ઝાલા તથા રાજભા જાડેજા (ઓમ લેબોરેટરી)એ મહારાજ કુમારનું તેમજ ડૉ. સ્નેહલબા ઝાલા તથા શ્રીમતી જયશ્રીબાએ કુંવરિબા સાહેબનું સાલ ઓઢાડી નગરજનો વતી સન્માન કર્યું હતું.
આ રાજ પરિવારના બંને સદશ્યોએ પ્રજાજનો સાથે ભાવ વિભોર થઇ વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી આરતીમાં સમાપ્તિ સમય સુધી ખડે પગે રહી ગજાનન મહારાજની આરતી ઉતારી દર્શન કર્યા હતા.