વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીની ચૂંટણીમાં બબાલ

Advertisement
Advertisement

વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીની ચૂંટણીમાં બબાલ, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડયા

વાંકાનેરના મેસરીયા ગામે અગાઉ સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ-કોંગ્રેસના સરખા સભ્યો ચૂંટાયા હતા. જેથી બે પક્ષ વચ્ચે નિર્ણય લેવા ગઈકાલે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સહકારી બેંકના પ્રતિનિધિના મતદાન માટે નિર્ણય લેવાયો હતો કેમ કે બેંક પ્રતિનિધિ એવા સહકારી બેંકના મેનેજરનો મત નિર્ણાયક હોવાથી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થયા બાદ સામસામે મારામારી ચાલુ થઈ હતી જેમાં અશ્વિનભાઈ રાઠોડ અને કેશુભાઈ સાંકડીયા નામના બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે બંને પક્ષની ઉગ્રતામાં બહાર પડેલ એક કારમાં આગ ચાંપી દેતા કાર ભડભડ થઈ સળગી ઉઠી હતી.

ઉપરોક્ત આગ ચંપીની ઘટનાની જાણ મોરબી ફાયર વિભાગને કરાતા ફાયરની એક ટીમ સ્થળ ઉપર પહોંચી ગયી હતી ત્યારે બનાવ અંગે વાંકાનેર વિભાગના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લઈને વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં બેંક પ્રતિનિધીને ભાજપના સભ્યો દ્વારા મતદાન કરતા રોકવામાં આવતા સમગ્ર બબાલ થઈ હોવાનો કોંગ્રેસના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. હાલ તો મારામારી અને આગ ચંપીના બનાવ મામલે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. ત્યારે હજુ સુધી સમગ્ર બનાવની પોલીસ ફરિયાદ થઈ હોવાની હાલ કોઈ માહિતી મળી નથી.