ભારે વરસાદના કારણે રાયસંગપુર અને મયુરનગર ગામ વચ્ચે બ્રહ્માણી નદી પર આવેલો પુલ તૂટી જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. ત્યારે રાયસંગપુર ગામથી મયુરનગર શિક્ષણ કાર્ય માટે જતાં વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા હળવદ તાલુકા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ રાણાએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે.
નરેન્દ્રસિંહ રાણાએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરતા જણાવ્યું છે કે, રાયસંગપુર ગામ તેમજ મયુરનગર ગામ વચ્ચે બ્રહ્માણી નદી પર આવેલો પુલ 100 ફૂટ જેટલો તૂટી ગયો છે તેથી બન્ને ગામ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. જ્યારે રાયસંગપુર અને ચડાધ્રાને મયુરનગર સાથે જોડતો આ એક માત્ર પુલ હતો. રાયસંગપુર અને ચડાધ્રા ગામના ધોરણ 9 થી 12ના 60 જેટલા બાળકો મયુરનગર આવેલી એક માત્ર એસ.એચ. ગાર્ડી હાઈસ્કૂલ તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. જેમાં મુખ્યત્વે વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. પુલ તુટી જતાં તેમનું શિક્ષણ કાર્ય લાંબા સમય સુધી અટકે તેમ છે. તેથી આ બાબતે સત્વરે વૈકલ્પિક શિક્ષણની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે.