



ટંકારા પર શરૂઆત થી જ અમી દ્રષ્ટિ રાખી હોવાનુ પ્રમાણ આપી ચુકેલા મેઘરાજા સોમવારે ઓળઘોળ થઈ દે ધનાધન પોણા ત્રણ ઈંચ મુશળધાર મહેર કરી હતી.
ટંકારા તાલુકા ઉપર આ વખતે મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ શરૂઆતથી જ અમી દ્રષ્ટિ રાખી હોય એવા એંધાણ મેઘ મહેર પર થી વરતાઈ રહ્યા છે. ગત અઠવાડિયે પધરામણી કર્યા બાદ લગભગ દરરોજ ધીમુ અને ધીંગુ હેત વરસાવી રહ્યા છે. સતત ચાર દિવસથી જાનમાલને આંચ ન આવે એવો વરસાદ વરસી રહ્યો છે. આજે સોમવારે સવાર થી બપોરના બાર વાગ્યા સુધીમા અડધો ઈંચ જેટલો રીમઝીમ વરસી જન જન ને મોજ કરાવ્યા બાદ સાંજ ના છ વાગ્યા સુધી પોરો ખાઈ વરૂણદેવે ફરી દયાનંદ નગરી ને મન મુકીને મુશળધાર હેત વરસાવી જોતજોતામા વધુ સવા બે ઈંચ (૫૫ મીમી) સરકારી ચોપડે આંકડા લખાવી દીધા હતા. આમ, સોમવારે રાત્રે આઠ વાગ્યા સુધીમા પોણા ત્રણ ઈંચ (૬૮ મીમી) વરસાદ નોંધાયો હતો.છેલ્લા ચાર દિવસથી સતત આકાશેથી ધીમીધારે ઉતરી ધરતી માતાને આલિંગન આપી રહ્યા છે. મેઘરાજાએ રાબેતા મુજબ સવારથી જ પધરામણી કરી હાજરી નુ પ્રમાણ આપી દીધા બાદ મોડી સાંજે પોતાના આકરા મિજાજનો પરીચય આપી માત્ર એક કલાકમા પંથકને ધમરોળી નાખ્યુ હતુ.
ટંકારા પંથકમા મેઘરાજા છેલ્લા ચાર દિવસથી દરરોજ ધીમી ગતિએ હેત વરસાવી લોકોને રાજી કરી રહ્યા છે. મેઘરાજાએ તાલુકામા ડેરા તંબુ તાણ્યા હોય એવો માહોલ જોવા મળે છે. સમયાંતરે હળવુ હેત વરસાવી રહ્યા છે. સોમવારે મળસ્કે જ મેઘરાજાએ હજુ દયાનંદ નગરી મા હાજર હોવાનુ પ્રમાણ આપી બપોરના બાર વાગ્યા સુધીમા મંથર ગતિએ અડધો ઈંચ ધીમીધારે પ્રેમ વરસાવી સાંજના છ વાગ્યા સુધી પોરો ખાધા બાદ ફરી સાંજ ના છ વાગ્યે આવી પહોંચી માત્ર એક કલાકમા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવા મિજાજ નો પરચો આપી સવા બે ઈંચ મુશળધાર વરસાદ જીલ્લા કંટ્રોલ રૂમ ના સરકારી ચોપડે એન્ટ્રી પડાવી દીધી હતી. આ તકે, વરૂણદેવના આકરા તેવરની માણવા જેવી ક્ષણ ને ટંકારાના લતીપર ચોકડી પર આવેલ પુરૂષાર્થ બજાજ એજન્સી વાળા અલ્પેશભાઈ નાનજીભાઈ મેરજા તથા ટંકારાના બટેટા ના વેપારી પ્રકાશભાઈ કક્કડે પોતાના કેમેરામા કેદ કરી વાંચક મિત્રો સુધી પહોચાડેલ છે.