ટીંબડી નજીક ઝડપાયેલ શંકાસ્પદ ખાતર યુરિયા જ હોવાનું ખુલતા ચાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસે ગત તા.6 જુનના રોજ ટીમ્બડી ગામના પાટિયા નજીકથી શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલું આઇસર ઝડપી લીધા બાદ ખેતીવાડી વિભાગ મારફતે નમૂના લેવડાવતા આ ખાતર નિમ કોટેડ યુરિયા જ હોવાનું ખુલતા બે આઇસર ચાલક અને યુરિયા ખાતરનો જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર ચાર આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પંથકમાં સનમાઈકા લેમીનેટના અનેક કારખાનાઓમાં ગેરકાયદેસર રીતે ખેડૂતોના હિસ્સાના સરકારના સબસીડી યુરીયા ખાતરનો રેઝીન બનાવવામાં બેફામપણે ઉપયોગ થાય છે તે હકીકત વચ્ચે ગત તા.6 જુનના રોજ મોરબીના ટીમ્બડી પાટિયા નજીક એક શંકાસ્પદ આઇસરમાં ખાતરની બેગ બદલાવી નાખી ભરવામાં આવેલ 16280 કિલોગ્રામ યુરિયા ખાતરનો જથ્થો પકડાઈ જતા પોલીસે મોરબી ખેતીવાડી વિભાગના અધિકારી મારફતે નમૂના લેવડાવી પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલતા આ ખાતર નિમકોટેડ યુરિયા જ હોવાનું ખુલતા મોરબી તાલુકા પોલીસે જાતે ફરીયાદી બની બે આઇસર ચાલક સહિત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.સબસીડી વાળા નિમ કોટેડ યુરિયાના રેઝીન બનાવવા માટેના આ કૌભાંડમાં મોરબી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વનરાજભાઈ મુળુંભાઇ ચાવડાએ આરોપી આઇસર રજિસ્ટ્રેશન નંબર જીજે – 36 – વી – 6984ના ચાલક પ્રવીણ રણજીતભાઈ ઠાકોર રહે.સાણંદ, આઇસર નંબર જીજે – 36 – ટી – 9970ના ચાલક દિનેશ કાળુભાઇ નાથજી, યુરિયા ખાતરનો જથ્થો ભરી આપનાર વિજય ભરવાડ રહે.ચુપણી તા.હળવદ અને યુરિયા ખાતર મંગાવનાર મૂળ હળવદ તાલુકાના એન્જાર ગામના વતની અને હાલમાં વટવા અમદાવાદ ખાતે રહેતા આરોપી મુન્નાભાઈ ઝાલાભાઈ ગોલતર વિરુદ્ધ રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ તેમજ આવશ્યક ચીજ વસ્તુ કાયદા મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.