શ્રી હડમતીયા કન્યા તાલુકા શાળાની ધામેચા કિરણ કેશવજીભાઇ એ દોરેલ ચિત્ર દ્વારા વૃક્ષનું મહત્વ સમજાવવાનો સુંદર પ્રયત્ન કરેલ છે

Advertisement
Advertisement

વૃક્ષ વાવવાથી પુણ્ય મળે છે એવું તો આપણે ઘણીવાર સાંભળ્યું હશે, પણ આપણે વાસ્તવિક કોને કોને ફાયદા થાય, કેટલા જીવોને ફાયદા થાય, પર્યાવરણને કેવા ફાયદા થાય તેના વિશે જોઈએ. વૃક્ષ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને ઓક્સિજન આપે છે, તેથી શ્વાસોશ્વાસ દ્વારા ઓક્સિજન ગ્રહણ કરતા મનુષ્ય સહિત બધા જ જીવોને વૃક્ષ ઉપયોગી સાબિત થાય. વૃક્ષ ઘણા પક્ષીઓને માટે ઘરનું કામ કરે છે ઘણા પક્ષીઓ વૃક્ષ ઉપર માળો બનાવીને રહે છે. ચકલી, કાબર, બગલા, બુલબુલ વગેરે જેવા પક્ષીઓ વૃક્ષો ઉપર પોતાના માળા બનાવીને રહે છે. પોપટ, લક્કડખોદ, ઘુવડ જેવા પક્ષીઓ વૃક્ષના થડમાં કે લાકડામાં બખોલ કરીને રહે છે. વૃક્ષ ઉપર જે ફળ આવે છે એ ઘણા પક્ષીઓનો ખોરાક છે. ઘણા પક્ષીઓ આ ફળ ઉપર નભતા હોય છે. ફળાઉ વૃક્ષો મોટાભાગનાં પક્ષીઓને ખોરાક પુરો પાડે છે. વૃક્ષો ઘણા કીટક વર્ગના જીવોને આશ્રય આપે છે. કીડી મકોડા જેવા નાના જીવો માટે પણ તે ઘરનું કામ કરે છે. આ સિવાય ઘણા સૂક્ષ્મ જીવાણુઓ વૃક્ષો ઉપર, વૃક્ષોની છાલમાં કે લાકડામાં રહે છે. વૃક્ષો ઘણા પ્રાણીઓનો ખોરાક છે. હાથી, ઊંટ, બકરા જેવા પ્રાણીઓ વૃક્ષોના પાંદડા અને ડાળીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વૃક્ષો ઘણા પ્રાણીઓનું નિવાસસ્થાન છે, વાંદરા, રીંછ, દીપડા, ગોરીલા જેવા પ્રાણીઓ વૃક્ષો ઉપર નિવાસ કરે છે.

વૃક્ષ જંગલમાં રહેતા આદિવાસીઓને રોજીરોટી આપે છે, વૃક્ષ ઉપરથી મળતો ગુંદર, લાખ, રાળ જેવી વસ્તુઓ વેચીને આદિવાસી પોતાની રોજી મેળવે છે. જે લોકો પાસે કંઈ જ નથી તેમના માટે વૃક્ષ કમાવાનું સાધન બની શકે છે, તહેવારોની સીઝનમાં લોકો આંબાના અને આસોપાલવના પાંદડા વેચીને રોજી મેળવતા જોવા મળે છે. હોળી ધુળેટી ઉપર લોકો જંગલમાંથી કેસુડાના ફુલ લાવીને વેચે છે.

વૃક્ષ ઔષધી તરીકે કામમાં આવે છે અને અનેક દર્દીઓને સારા કરવાની ક્ષમતા રાખે છે. વૃક્ષમાંથી બનતું ઇમારતી લાકડું કેટલાય લોકોને રહેવા માટે ઘર તરીકે વપરાય છે.