મોરબી: સુધરી જજો હવે લાંચ લીધી તો ખેર નથી ! એક સાથે ત્રણ સરકારી બાબુ જેલમાં ધકેલાયા

Advertisement
Advertisement

મોરબી : મોરબીની અદાલતમાં આજે અનોખો ઇતિહાસ રચાઈ ગયો છે, મોરબીના સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા હળવદ તાલુકાના ત્રણ અલગ અલગ લાંચ કેસમાં તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી સહીત ત્રણ લાંચિયા બાબુઓને ચાર-ચાર વર્ષની કેદ અને 20-20 હજારનો દંડ ફટકારતો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રથમ કેસમાં ફરિયાદી રમેશભાઈ પ્રેમજીભાઈ ફૂલતરીયા રહે.પ્રતાપગઢ તા.હળવદ વર્ષ 2008માં મયુરનગરમાં આવેલ ખેતીની જમીનનો દાખલો કાઢી આપવા મામલે તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાએ 500 રૂપિયાની લાંચ માંગતા એસીબીમાં ફરિયાદ કરતા લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા બાદ આ અંગેનો કેસ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધની અદાલતમાં ચાલી જતા નામદાર કોર્ટે 7 મૌખિક અને 25 દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલો ધ્યાને લઈ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા આરોપી તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાને 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

જયારે બીજા કેસમાં વર્ષ 2009માં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા વિપુલભાઈ રાજેન્દ્રભાઇ ભોરણીયાએ વારસાઈ એન્ટ્રીની કામગીરી માટે જતા તલાટી કમ મંત્રી જગદીશભાઈ નવનીતભાઈ ભટ્ટે 14 હજાર લાંચ માંગી બાદમાં 12 હજારમાં નક્કી કરી લાંચ પેટે 6000 સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ જતા આ અંગેનો કેસ ચાલી જતા 6 મૌખિક અને 33 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલો બાદ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.