ટંકારા હાઈવે પર થી વિદેશી દારૂના જથ્થા સાથે પસાર થતી કાર સાથે જામનગર નો શખ્સ ઝડપાયો. 

Advertisement
Advertisement
મોરબી તરફથી દારૂ ભરેલી કાર હાઈવે પર ટંંકારા તરફ આવી રહ્યા ની બાતમી મળતા ટંકારા પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધો.
રાજકોટ મોરબી હાઈવે પર ઈંગ્લીશ દારૂ ના જથ્થા સાથે ચોક્કસ નંબર ની કાર મોરબી તરફથી ટંકારા તરફ આવી રહ્યા ની ચોક્કસ હકિકત ટંકારા પોલીસને મળતા સ્થાનિક પોલીસે ટંકારા હાઈવે પર વોચ ગોઠવી હાઈવે પર પસાર થતી કાર ને રોકી તલાસી લેતા ઈંગ્લીશ દારૂ ની પેટીઓ મળી આવતા પોલીસે સ્થળ પરથી ઈંગ્લીશ દારૂ ની બોટલો, દારૂના ચપલા ઉપરાંત કાર સહિત રૂપિયા ૩.૬૭ લાખ ના મુદ્દામાલ સાથે એક શખ્સ ને દારૂ સગેવગે થાય એ પૂર્વે ઝડપી લીધો હતો.
દારૂની રેલમછેલ કરી દારૂના ધંધાર્થીઓ ટુંકા માર્ગે નાણા કમાવવા છીંડા ગોતી દારૂની હેરાફેરી કરી માલ સગેવગે કરવા કાયમ કાર્યરત હોય છે. હવે તો હાઈટેક યુગમા પોલીસ ડિપાર્ટમેન્ટે પણ સારો તાલમેલ સાધી લીધો હોય હેરાફેરી થાય એ ભેગી પોલીસને ગંધ આવી જતી હોવાનુ જગજાહેર છે. પરંતુ અમુક કિસ્સામા કોઈ અકળ કારણોસર ખરા ટાંકણે પોલીસ ની આંખ મીંચાઈ જતી હોવાની પણ એવડી જ ચર્ચા ખુલ્લેઆમ સાંભળવા મળે છે. જોકે, પોલીસે દારૂ ની હેરાફેરી પર તવાઈ ઉતારી છે. ટંકારાના પો.કોન્સટેબલ રમેશભાઈ રબારીને ચોક્કસ બાતમી મળી હતી કે, સફેદ કાર નં જીજે ૧૦ બીજી ૯૬૮૧ ઈંગ્લીશ દારૂ ભરીને મોરબી તરફથી ટંકારા તરફ આવી રહ્યાની બાતમી મળતા તેઓએ તાત્કાલિક ટંકારાના ફોજદાર મુળુભા ધાંધલ ને વાત કરતા પો.સ.ઈન્સે સ્થાનિક પોલીસે ટંકારા હાઈવે પર વોચ ગોઠવી હતી.એ ટાંકણે ખીજડીયા ચોકડી પાસે થી બાતમી વાળી કાર નિકળતા હાઈવે પર રોકાવી તલાસી લેતા કારમાંથી દારૂની પેટીઓ મળી આવી હતી. જેમા, અંગ્રેજી શરાબની બોટલ નંગ ૯૬ તથા ઈંગ્લીશ દારૂ ના ચપલા નંગ ૩૪૨ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ નો જથ્થો કાર સહીત રૂપિયા ૩.૬૭ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક જામનગર ના રણજીત સાગર રોડ, નંદનવન સોસાયટી શેરી નં -૧ મા રહેતા પિંજારા ઈનાયત ઈબ્રાહિમ મસીયા ની  વિધીવત ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી મેળવી કયા વેચાણ કરવાનો અને કેટલા સમય થી ધંધો કરાતો હોવા સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી હતી.