
વાંકાનેરમાં ભગવાન પરશુરામદાદાની શોભાયાત્રા વાજતે ગાજતે શહેરના રાજમાર્ગો પર ફરી વેપારીઓ તથા અગ્રણીઓ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું
રાજમાર્ગો પર યાત્રીઓ માટે ઠંડા પાણી, ઠંડા પીણા સરબત તેમજ નાસ્તાઓ માટેની રાવટીઓ બનાવી સેવા યજ્ઞ યોજાયા
મુસ્લિમ બિરાદરો દ્વારા ભગવાન પરશુરામ ભગવાન નું સ્વાગત કરાયું હતું અને યાત્રીઓ માટે ઠંડા પાણી વિતરણ કરી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું
વાંકાનેર : ભગવાન વિષ્ણુના છટ્ઠા અવતાર બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતીની શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વર્ષોથી શોભાયાત્રા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવે છે જે પરંપરા મુજબ સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે ઘડી કાઢવામાં આવેલ આયોજન મુજબ વૈશાખ સુદ અખાત્રીજ ને તા. ૧૦ મેં નાં રોજ નેશનલ હાઈવે ખાતે થી શહેરના સી.પી.આઇ. કચેરી પાસે થી સાંજે પાંચ વાગ્યે અસંખ્ય ભૂદેવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ડી.જે. , ઢોલ સહિતના ભગવાનના ભજન કરતા ભગવાનની શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવેલ જે જીનપરા, ધર્મ ચોક , મેઇન બજાર, ચાવડી ચોક થી માર્કેટ ચોકમાં પહોંચી હતી. યાત્રામાં પરશુરામ દાદાના રથ સહિત અનેક વાહનો જોડાયા હતા.
શોભાયાત્રા દરમ્યાન ભૂદેવો દ્વારા ફરસી, લાકડી તથા તલવારના કરતબો રજૂ કરવામાં આવેલ. જ્યા ચોક આવે ત્યાં મહિલાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવી ભગવાનની આરાધના કરવામાં આવી હતી. યાત્રાનાં રૂટ પર સેવાભાવી લોકો દ્વારા ઠેર ઠેર પાણી, ઠંડા પીણા સરબત સહિતની સેવાકીય કૅમ્પો ઉભા કરી યાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવી હતી.
યાત્રા જેમ જેમ રાજમાર્ગો પર આગળ વધી રહી હતી તેમ તેમ વેપારીઓ , સામાજિક સંગઠનો, સાધુ સંતો મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ફૂલહાર પહેરાવી ભગવાનની યાત્રાનું સ્વાગત કરાયું હતું. યાત્રામાં વિશાળ સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા અને જય જય શ્રી પરશુરામ ના ગગનભેદી નારા લગાવતા વાતાવરણ દિવ્ય ભવ્ય બની ગયું હતું.
શોભાયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે ડી.વાય.એસ.પી. સમીર સારડાનાં માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એચ.વી. ઘેલા દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવેલ અને યાત્રા આગળ ટ્રાફિકને ગાઈડ કરવા પોલીસ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરાયું હતું.
યાત્રા રાજમાર્ગો પર ફરી માર્કેટ ચોક ખાતે પહોંચી હતી જ્યાં પ્રદેશ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર , મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કિશાન મોરચાનાં મંત્રી કાનાભાઈ ગમારા જ્યારે મુસ્લિમ સંપ્રદાયના અગ્રણી શકીલ પીરઝાદાએ ગ્રીન ચોકમાં તેમજ અનેક રાજકીય અગ્રણીઓએ સ્વાગત કરી દર્શન કરી ભગવાન શ્રી પરશુરામ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
માર્કેટ ચોક ખાતે ભૂદેવો તથા મહિલાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા બાદમાં રામ ચોક સ્થિત ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડી ખાતે યાત્રા સમાપન થયેલ અને યાત્રામાંથી ધર્મસભામાં પરિવર્તન થયેલ. સમાજના અગ્રણીઓ દ્વારા ધર્મ ઉપદેશ આપી સમાજની એકતા અને અખંડિતતા માટે તેમજ ધર્મ પ્રત્યેની જાગૃતિ લાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતુ. ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી રાજકોટના જીતુભાઈ મહેતાએ જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં ભૂદેવોને પૃથ્વી પરના દેવ કહેવામાં આવ્યા છે તેથી દરેક ભૂદેવોનું આચરણ દેવ જેવું હોવું જોઇએ અને સમાજના તમામ વર્ગના લોકો ભૂદેવોને હંમેશા આદર્શ અને પ્રેરણાસ્ત્રોત માને છે ત્યારે આપણી ફરજ બને છે કે આપણું આચરણ સંસારમા રાહ ચિંધનારૂ બની રહે.
યાત્રામાં ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી જીતુભાઈ મહેતા , મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઇ ઓઝા , વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઈ ઓઝા , ગાયત્રી શક્તિપીઠનાં મહંત અને વાંકાનેર બ્રહ્મ સમાજના પિતામહ સમાન અશ્વિનભાઈ રાવલ , કેરાળા ધામ રાણી મા રૂડી મા નકલંક મંદિરનાં મહંત મુકેશ ભગત સહિત અનેક બ્રહ્મ અગ્રણીઓ , વિવિધ ધાર્મિક સંસ્થાના સંતો મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ અને મોટા પ્રમાણમાં હિન્દુ ધર્મના લોકો જોડાયા હતા.


