કારખાના/યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને દિન-૧૫માં આપવાની રહેશે

Advertisement
Advertisement

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે.ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં આપવાની રહેશે.

કામે રાખેલ કર્મચારી/કારીગર/શ્રમિક/ખેત શ્રમીક/ભાગીયા/ઘરઘાટી/ચોકીદાર તથા મકાન ભાડે રાખનાર પરપ્રાંતિય વ્યક્તિના ઓળખકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવો, મુળ ક્યાંના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરીને આપવાની રહેશે. આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી આવેલા વ્યક્તિને મકાન ભાડા પેટે આપવામાં આવે ત્યારે મકાન માલીકનું નામ, રહેઠાણનું સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું નામ, સરનામું, ભાડે આપ્યાની તારીખ વગેરે વિગતો સહિતનું નિયત નમૂનાનું ફોર્મ ભરી સંબંધીત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે.

આ ઉપરાંત મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક પર અથવા એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye લીંક પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, આ જાહેરનામાનો અમલ તા.૧૭/૦૫/૨૦૨૪ સુધી કરવાનો રહેશે.