એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય નાગરીકોને મોટી રાહત આપી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. શુક્રવાર સવારથી નવો ભાવ અમલમાં આવશે. આ અંગેની જાણકારી ખુદ પેટ્રોલિયમ મંત્રીએ ટ્વિટ કરીને આપી છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને લખ્યું કે, ‘પેટ્રોલ અને ડીઝલના ભાવ 2 રૂપિયા ઘટાડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારનું હિત અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય રહ્યું છે.
સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યા બાદ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા થયો છે. નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવ હવે 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા થયો છે.
કેન્દ્ર સરકારના નિર્ણય પહેલા રાજસ્થાનની ભજનલાલ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો મોટો નિર્ણય લીધો હતો. પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 2 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે પેટ્રોલ 1.40 રૂપિયાથી 5.30 રૂપિયા સસ્તું થશે. જ્યારે ડીઝલ 1.34 રૂપિયાથી 4.85 રૂપિયા સસ્તું થશે. ઈંધણના ઘટેલા ભાવ શુક્રવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે.