પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબી સ્થાયી થયેલા ૧૩ વ્યક્તિઓ બન્યા ભારતના કાયમી નાગરિક

Advertisement
Advertisement

મોરબી જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરી અને ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ મોરબી સ્થાયી થયેલા ૧૩ વ્યક્તિઓને ભારતના નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

વખતો વખત અનેક કારણોસર પાકિસ્તાનથી હિજરત કરી અનેક પરિવારો ભારતના વિવિધ પ્રાંતમાં સ્થાયી થયેલા છે, એમાંનું એક મોરબી પણ છે. મોરબીમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને આવેલા અનેક પરિવારો દૂધમાં સાકારની જેમ ભળી ગયા છે. જિલ્લા કલેકટરશ્રી તેમજ વહીવટી તંત્ર દ્વારા આ લોકોને નાગરિકતા મળી જાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરી તેમજ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ૧૩ વ્યક્તિઓને ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ બાબતે જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી મોરબી ખાતે સ્થળાંતરિત થઈ અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે ત્યારે ૧૩ વ્યક્તિઓને હાલ ભારતના નાગરિક તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આવા સ્થળાંતરિત વ્યક્તિઓની નાગરિકતાની અરજીઓ ઝડપથી મંજૂર થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. આવી નાગરિકતાની અરજીઓની પૂરતી ચકાસણી કરી યોગ્ય પ્રક્રિયા હાથ ધરી નાગરિકતા આપવામાં આવી રહી છે.

ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ખૂબ ઝડપી કામગીરી કરીને સ્થળાંતરિત થયેલી વ્યક્તિઓને નાગરિકતા આપવામાં આવી રહી છે. આજે ૧૩ લોકો ભારતના કાયમી નાગરિકો બની ગયા છે ત્યારે તેમના ચહેરા પર ખુશી જોઈને ખરેખર આનંદની લાગણી અનુભવું છું.