મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ ફીદાઇ પાર્કમાં ઘરની બાજુમાં આવેલા ખાલી પ્લોટની સાફ સફાઈ કરવા મામલે માથાભારે શખ્સે દંપતીને વોટ્સઅપ કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ મામલે મહિલા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં માથાભારે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફીદાઇ પાર્ક સોસાયટીમાં રહેતા સોનલબેન નુરૂદીનભાઈ કચરાણીએ આરોપી નવઘણભાઇ મોહનભાઇ બાંભવા વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના પિતાજીના ઘરની પાસે ખાલી પડેલ પ્લૉટમા દેવીપુજક સમાજના લગ્ન હોય જેથી તેઓએ પ્લૉટમા સાફ સફાઈ કરાવતા આરોપી નવઘણ બાંભવાને સારૂ નહી લાગતા સોનલબેન અને તેમના પતિને વોટસઅપ કોલ કરીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ઘરે જ રહેજો આજે તો તમને પતાવી જ દેવા છે તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.