મોરબીની સબજેલમાં સજા ભોગવતા બે કેદીઓને સારી વર્તુણક બદલ સજા માફી મળ્યા બાદ આજે વધુ એક પાકા કામના કેદીને સારી વર્તુણક બદલ સરકારે સજા માફીનો લાભ આપતા મુક્ત બન્યા છે, હત્યાના ગુન્હામાં આજીવન સજામાં જેલવાસ દરમિયાન આ કેદીએ સાક્ષર બની કોમ્પ્યુટર હાર્ડવેર અને પ્લમ્બર કામના પાઠ ભણી પોતાની જિંદગી બદલવાની સાથે અન્ય જેલમાં સાક્ષરતાના પાઠ ભણાવી અન્ય કેદીઓની જિંદગીમાં પણ ઉજાસ પાથર્યો છે. ત્યારે મોરબી સબજેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા હત્યા કેસના ગુન્હામાં સજા ભોગવનાર અનિલભાઈ દાનાભાઇ છાસીયાને ગુજરાત સરકારી જેલવાસ દરમિયાન સારી વર્તુણક બદલ સજા માફીનો લાભ આપતા તેઓ આજે જેલ મુક્ત બન્યા હતા.
મોરબી જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલે જણાવ્યું હતું કે, વર્ષ 2005માં ધ્રાંગધ્રા કૌટુંબિક ભાઈની હત્યા અંગેના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને વર્ષ 2007માં સજા સંભળાવવામાં આવતા તેઓને પ્રથમ રાજકોટ બાદ વતન નજીકની જેલમાં મોરબી જેલ ખાતે રાખવામાં આવ્યા હતા. જેલસજા દરમિયાન અનિલભાઈએ જેલમાં સફાઈ અભિયાનથી લઈ અનેકવિધ વ્યવસાયલક્ષી તાલીમ મેળવી જેલમાં ખુબ જ સારી કામગીરી કરી સારી વર્તુણક કરતા 17 વર્ષની જેલની તેઓએ સજા ભોગવી હોય માફી અંગેની દરખાસ્ત કરવામાં આવતા સરકારે જેલમુક્તિ આપતા તેઓને જેલમુક્તિ આપવામાં આવી છે અને ભવિષ્યમાં સારા નાગરિક બની ગુન્હાઓથી દૂર રહે તેવી સલાહ સાથે તેઓને જેલમાંથી વિદાય આપવામાં આવી હતી.