મોરબીના ઘુંટુ નજીક રામકો બંગલો પાસેના રામપાર્કમાં ગતરાત્રીના તસ્કરોએ બંધ પડેલા મકાનને નિશાન બનાવી ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં તસ્કરો સીસીટીવીમાં કેદ પણ થયા છે. રામકો બંગલો પાસેના રામપાર્કમાં રહેતા મહેશભાઈ પ્રમોદભાઈ જાનીના મકાનને ગતરાત્રીના તસ્કરોએ નિશાન બનાવી આરામથી ચોરી કરી હતી. સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, તસ્કરોએ ચોરી કરતા અગાઉ પાડોશીઓના ઘરના આગળીયા વાસી દઈ નિરાંતે ચોરી કરી હતી. જોકે હજુ ગત સાંજે જ જાની પરિવાર અમદાવાદ ગયો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં જાની પરિવારને ચોરીની ઘટના અંગે પાડોશીઓએ જાણ કરતા તેઓ મોરબી આવવા રવાના થયા છે અને મોરબી આવ્યા બાદ ફરિયાદ કરવામાં આવશે. નોંધનીય છે કે, ચોરીને અંજામ આપનાર તસ્કરો સીસીટીવીમા પણ કેદ થયા છે.