મોરબીમાં સાત વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ મામલે પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે નરાધમને કસુરવાન ઠેરવીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે તેમજ ભોગ બનનાર બાળકીને વળતર ચુકવવા માટે કોર્ટે આદેશ કર્યો છે. વર્ષ 2019માં મોરબી તાલુકા પંથકમાં બપોરના સુમારે ભોગ બનનાર સાત વર્ષની બાળકી ઘરેથી રમવાનું કહીને બહાર ગઈ હતી. ત્યારે આરોપીએ લાલચ આપી રૂમમાં લઇ જઈને બાળકી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી મોહરસિંગ ઉર્ફે મામુ જમુનાપ્રસાદ આદિવાસી નામના ઇસમની ધરપકડ કરી હતી જે આરોપી વિરુદ્ધ પોક્સો એકત તેમજ દુષ્કર્મની કલમો અંતર્ગત ગુનો નોંધી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી
જે કેસ સ્પેશ્યલ જજ (પોક્સો કોર્ટ) અને એડીશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટ મોરબીમાં ચાલી જતા સરકારી વકીલ નીરજભાઈ ડી કારીઆએ કોર્ટમાં મૌખિક 16 પુરાવા તેમજ 27 દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને સખ્ત સજા કરવા માટે માંગ કરી ધારદાર દલીલો રજુ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી મોહરસિંગ ઉર્ફે મામુ જમુનાપ્રસાદ આદિવાસી રહે. હાલ નીચી માંડલની સીમ, મૂળ રહે, મધ્યપ્રદેશ વાળાને કસુરવાન ઠેરવ્યો હતો. જે નરાધમને સ્પેશ્યલ પોક્સો કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨) ની સાથે વાંચતા જાતીય ગુનાના ૨૦૧૨ની કલમ ૩ (એ), ૪,૫ (આઈ) (એમ) તથા ૬ મુજબના ગુનામાં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 6 માસની કેદની સજા ફટકારી છે ઉપરાંત આઈપીસી કલમ ૩૨૪ મુજબના ગુનામાં ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા ૫૦૦૦ નો દંડ ભરવા આદેશ કર્યો છે દંડની રકમ ના ભરે તો વધુ ૩ માસની કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનારને વળતર માટેની યોજના ૨૦૧૯ના નિયમો તથા શેડ્યુલના અનુક્રમ નં ૯ તેમજ નિયમ ૯ (૫) અનુસાર અપીલ પીરીયડ બાદ ભોગ બનનારને રૂપિયા ૪ લાખ તેમજ આરોપી જે દંડની રકમ ભરે તે રૂ ૨૫,૦૦૦ સહીત કુલ રૂ ૪.૨૫ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે