મોરબી જિલ્લામાં આજે અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આયુષ હોસ્પિટલમાં કચ્છના શિવમ ખાસા નામના 15 વર્ષના બાળકને બ્રેઇન્ડેડ જાહેર કરાયા બાદ માતાપિતા સહિતના પરિવારજનોએ ઉમદા નિર્ણય લઈ અંગદાન કરવા નિર્ણય કરતા આજે શિવમે અન્ય પાંચ લોકોને નવજીવન આપ્યું છે. અંગદાન બાદ કિડની અને ફેફસા સહિતના પાંચ અંગોને ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ પહોંચાડવા મોરબી પોલીસે પણ વહેલી સવારથી કાબિલે દાદ કામગીરી કરી હતી.
કચ્છના ભુજ તાલુકાના જીકડી ગામના ખેડૂત રમેશભાઈ ખાસાના વ્હાલસોયા પુત્ર શિવમને મગજની બીમારીના કારણે આઠ દિવસ પહેલા મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેઓને ડૉ. મિલન મકવાણા , ડૉ. દર્શન પરમાર, ડૉ. અમિત ડોડીયા, ડૉ. નિમેશ જૈન, ડૉ. ઉત્તમ પેઢડિયા, ડૉ. વિજય મકવાણા સહિતના ડોકટરોની ટીમ દ્વારા અદ્યતન સારવાર બાદ ડૉ મિલન મકવાણા ( ન્યુરો સર્જન) દ્વારા બ્રેનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ શિવમ ખાસાના પરિવારજનોને ડૉ. દર્શન પરમાર, ડૉ મિલન મકવાણા, ડૉ અમિત ડોડીયાએ અંગોનું દાન કરવા માટેની માહિતી સમજાવી હતી અને સેવાભાવી એવા આહીર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમને અનેક જીવમાં જીવતો રાખવા માટે સહમતી આપી હતી. પરિવારના સભ્યો રમેશભાઈ ગોપાલભાઈ ખાસા (પિતા), કંકુબેન રમેશભાઈ ખાસા (માતા), રીનાબેન (બહેન), રિતેશભાઈ(મોટાભાઈ), માવજીભાઈ અને હરિભાઈ (મોટા બાપા) તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાસા, માવજીભાઈ કરશનભાઈ આહીર, નારાણભાઈ શિવજીભાઈ કોવાડિયા, માવજીભાઈ પુનાભાઈ ખાસા, હરિ કાનજીભાઈ ખાસા, બાબુભાઈ કાનજીભાઈ ગાગલ દ્વારા શિવમના અંગદાન માટે સહમતી આપી હતી.