મોરબીના લાલપર ગામ પાસે આઇસરે મોપેડને એડફેટે લેતા અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે. મોરબીના લાયન્સનગર રેલ્વે સ્ટેશન પાસે રહેતા યુનુશા કરીમશા શામદારે આરોપી આઇસર જીજે-૩૬-ટી-૯૭૩૯ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૮ના રોજ મૃતક ઇકબાલશા શામદાર જુના ઘુટુ રોડ પર આવેલા પોતાના ભંગારના ડેલામાંથી ઘરે જમવા માટે પોતાના એકટીવા પર ગયેલ હોય અને સાંજના સમયે ઇકબાલના સાળા શિબિરનો ફોન યુનુશાને આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે આઇસર GJ-36-T-9739નો ચાલક જાબુડીયા આર.ટી.ઓ કચેરીથી લાલપર ગામ તરફ જતા સર્વિસ રોડ ઉપર પુરઝડપે આવ્યો હતો અને લાલપર ગામથી આગળ બાપા સીતારામ મઢુલીના ગેટ પાસેથી પસાર થઈ રહેલા ઇકબાલશાના એક્ટિવાને હડફેટે લીધું હતું. જેને પગલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકબાલશાને મોઢાના તથા બન્ને પગના ઢીચણના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે ઘટના સ્થળે જ ઇકબાલશાનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જીને આઇસર ચાલક પોતાનું આઇસર ઘટના સ્થળે રેઢુ મૂકીને નાસી ગયો હતો અકસ્માત અંગેની જાણ મૃતકના ભાઈ યુનુશાને થતા તેઓ ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે